Jamnagar, તા ૩
જામનગરમાં અંબર સિનેમા રોડ પર મોનાલીસા કોમ્પ્લેક્ષમાં આવેલી સોલાર રૂફટોપ યોજના ની એજન્સીની ઓફિસમાં વેપારી અને ગ્રાહક વચ્ચે ગઈકાલે તકરાર થઈ હતી, અને સોલાર ફીટ કરવાના મામલે બંને પક્ષે સામ સામે મારામારી થયાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરમાં સીતારામ સોસાયટીમાં રહેતા અને અંબર સિનેમા રોડ પર મોનાલીસા કોમ્પ્લેક્સમાં સોલાર યોજના ને લગતી ઓફિસ ધરાવતા કાનાભાઈ મેરામણભાઇ બડીયાવદરા નામના વેપારીએ પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે નુરી પર વિસ્તારમાં રહેતા ફિરોજ ઓસમાણભાઈ દલ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીની ઓફિસમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા સોલાર ફીટ કરવા માટેનું કામ રખાયું હતું, જે સોલાર ફીટ કરવામાં વિલંબ થયો હોવાથી ગ્રાહક ફિરોજ દલ ઉપરોક્ત ઓફિસે પહોંચી ગયા હતા, અને હંગામો મચાવી વેપારી સાથે તકરાર કરી તેના ઉપર હુમલો કરી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી તેની સામે ફરિયાદ નોંધાવાઇ છે.
આ ઉપરાંત સામા પક્ષે પણ ફિરોજ ઓસ્માણભાઈએ પોતાના ઉપર હુમલો કરવા અંગે વેપારી કાનાભાઈ મેરામણભાઇ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જે મામલે પી.એસ.આઇ એમ. વી. મોઢવાડિયા તપાસ ચલાવી રહ્યા છે.