તાલુકા , ડિસ્ટ્રિક્ટ અને હાઇકોર્ટના પડતર કેસોમાં મધ્યસ્થીકરણ કરાવી સુખદ સમાધાન લાવવાના પ્રયત્નો
Rajkot,તા.03
રાજકોટ નાલસા તથા એમસીપીસી દ્વારા ‘મિડિયેશન ફોર ધ નેશન’ અન્વયે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન ત્રણ માસ મિડિયેશન ડ્રાઇવ (મધ્યસ્થીકરણ ઝુંબેશ) શરૂ કરવામાં આવી છે.
જેમાં સમગ્ર રાજ્યની તાલુકા કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ તથા હાઇકોર્ટના પડતર કેસોમાં મધ્યસ્થીકરણ કરાવી સુખદ સમાધાન લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત લાગુ પડતા કેસોમાં વધુમાં વધુ સુખદ સમાધાન થાય તે હેતુથી કોર્ટમાંથી કેસોને મિડિયેશનમાં રિફર કરવાના પ્રયત્ન કરવાના રહેશે. જેથી તમામ પક્ષકારોને અનુરોધ કરાયો છે કે, તેઓના કેસ જો સમાધાનલાયક હોય જેવા કે લગ્ન જીવનની તકરારોને લગતા કેસો, અકસ્માત વળતરના કેસો, ઘરેલુ હિંસાના કેસો, ચેક બાઉન્સના કેસો, કોમર્શિયલ વિવાદના કેસો, સર્વિસ મેટર, સમાધાન લાયક ફોજદારી કેસો, ગ્રાહક તકરારના કેસો, પાર્ટિશનના દાવાઓ, જમીન સંપાદનના કેસો અને બીજા અન્ય સિવિલ દાવાઓ જેમાં સુખદ રીતે સમાધાન થાય તે માટે સંપૂર્ણપણે મધ્યસ્થીકરણમાં મુકાવવાના પ્રયત્નો કરવા.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બી. આર. ગવાઈ તથા ન્યાયમૂર્તિ સૂર્યકાંત, કારોબારી અધ્યક્ષ, નાલસાના માર્ગદર્શન હેઠળ આ કેસોનો ત્વરિત નિકાલ થાય તે હેતુથી આ અભિયાન યોજવામાં આવી રહ્યું છે, જેથી સમગ્ર જનતાને આ મધ્યસ્થીકરણ ઝુંબેશનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.