બજાજ એલીયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીએ ફરીયાદીને રૂ.૧૬ લાખ ચુકવવા હુકમ
Rajkot,તા.03
નીકાવા નજીક કાર પુલ નીચે ઉતરી જતા અકસ્માત થયો હતો. જે કાર નુક્શાનીનો ક્લેઇમ મંજુર કરી ગ્રાહક તકરાર નીવારણ આયોગ દ્વારા બજાજ એલીયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીએ ફરીયાદીને રૂ.૧૬ લાખ ચુકવવા હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રહેતા ફરીયાદી કિશનભાઈ મનસુખભાઈ સાંગાણી તા.૧૦/૧૨/૨૦૨૨ ના રોજ પોતાની માલીકીની હયુન્ડાઈ સાન્ટા કાર નં.જી.જે.૦૧.આર.એફ. ૮૦૦૧ લઈને રાજકોટથી મોટા વડાળા ગામ તરફ જતા હતા. નીકાવા ગામ નજીક સામેથી એક ટ્રક ફુલ લાઈટ ચાલુ રાખીને આવતા ફરીયાદીની આંખો અંજાઈ જતા કાર અચાનક પુલ સાથે અથડાઈ પુલથી નીચે પડી જતા અકસ્માત સર્જાયો હતો. કારમાં નુકશાની થઈ હતી. ત્યાર બાદ ફરીયાદીએ બજાજ એલીયાન્ઝ વીમાકંપનીમાં કારનો કલેઈમ નોંધાવ્યો હતો. પરંતુ વીમા કંપનીના દ્વારા વિમાપોલીસીની શરતોનું પાલન થતુ ન હોય તેવું કારણ દર્શાવી કલેઈમ નામંજુર કર્યો હતો. જેથી ફરીયાદીએ રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નીવારણ આયોગ(મુખ્ય) રાજકોટમાં ક્લેઇમ મેળવવા ફરીયાદ દાખલ કરી હતી. જે કલેઇમ કેસ ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રાજુ રાખેલા વીવીધ સ્ટેટ કમીશન તેમજ નેશનલ કમીશનના ચુકાદાઓ ધ્યાને લઈ ગ્રાહક તકરાર નીવારણ દ્વારા બજાજ એલીયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીએ ફરીયાદીને રૂા.૧૬ લાખ ચુકવવા હુકમ કર્યો છે.
આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ અજય કે. જોષી, પ્રદિપ આર. પરમાર, વિશાલ દક્ષિણી, દુર્ગેશ જોષી, અક્ષય સાંકળીયા તેમજ મદદનીશ તરીકે રીધ્ધી શ્રીમાળી અને નંદન ઝાપડા રોકાયા હતા.