Surat,તા.04
સુરતના વરાછા બોમ્બે માર્કેટ પાસે રહેતા વેપારીને તેમના મિત્રએ જ ચૂનો ચોપડયાની ફરિયાદ વરાછા પોલીસ મથકમાં નોંધાઈ છે.હેન્ડવર્કનું કામ કરતા વેપારીને પોતાની મિલ્કત અગાઉ વેચી હોવા છતાં ફરી સોદો કરી મિત્રએ રૂ.1.51 લાખ પડાવ્યા બાદ ભાંડો ફૂટતા મિત્રએ વેપારીને પૈસા અને મિલ્કત ભૂલી જવા કહ્યું હતું.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા બોમ્બે માર્કેટની પાસે સપ્તશ્રી રો હાઉસ મકાન નં.31 માં રહેતા અને પુણા ગામ ગાંધીનગર ફળીયામાં હેન્ડવર્કનું કામ કરતા 34 વર્ષીય સંદીપભાઈ મણીલાલ હદવાણીના મિત્ર ભદ્રેશભાઇ લાલજીભાઇ ગોયાણી ( ઉ.વ.37, રહે.મકાન નં.502, મજેસ્ટીકા હાઇટસ એપાર્ટમેન્ટ, યોગીચોક પાસે, સુરત. મૂળ રહે.રણીયારા, તા.સ્વામીના ગઢડા, જી.ભાવનગર ) ને હોટલ કરવી હોય સંદીપભાઈએ પોતાની મજૂરાની એક મિલ્કત અગાઉ વેચી હતી.દરમિયાન, જૂન 2023 માં ભદ્રેશભાઈએ પૈસાની જરૂર છે તેમ કહી કંરજ રેવન્યુ સર્વે.નં.47 ટી.પી.નં.3 વોર્ડ નં.21/બી વાળી જમીનમાં આયોજીત ઘનશ્યામનગર કો.ઓ.હાઉસીંગ સોસાયટી-1 માં આવેલા પ્લોટો પૈકી નં.11/એ માં બાધવામાં આવેલી ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ માળ તથા બીજા માળવાળી બાંધકામ સહિતની મિલ્કત રૂ.1.51 લાખમાં વેચી હતી.
ભદ્રેશભાઈએ તેનો કબ્જા સહીતનો વેચાણ કરાર પણ કરી આપ્યો હતો.જોકે, બાદમાં સંદીપભાઈ મહાનગરપાલિકામાં નોંધણી કરાવવા ગયા ત્યારે જાણ થઈ હતી કે ભદ્રેશભાઈએ તે મિલકત ઓગષ્ટ 2022 માં શૈલેષભાઇ કનુભાઇ બોધર તથા શોભાબેન કનુભાઇ બોધરને વેચી છે અને બાદમાં તે રસીકભાઈ મનસુખભાઈ સોનાણીને પણ વેચાતા તેમણે મહાનગરપાલિકામાં વેરાબીલમાં
પોતાનું નામ ચઢાવી દીધું છે.આથી સંદીપભાઈએ ભદ્રેશભાઈ પાસે પૈસા પરત માંગ્યા હતા.જોકે, તેમણે પૈસા અને મિલ્કત ભૂલી જવા કહેતા આખરે સંદીપભાઈએ તેમના વિરુદ્ધ ગતરોજ વરાછા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.