Porbandar તા.4
પોરબંદરના જિલ્લા પંચાયત કચેરી ખાતે અલગ અલગ વિસ્તારમાં પીવાના પાણી માટે કુલર મુકવામાં આવ્યા હતા પરંતુ હાલ આ કચેરીના મોટાભાગના કુલર બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. તેમજ આ કુલર ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે.
પોરબંદરના જિલ્લા પંચાયત કચેરી ખાતે વિવિધ વિભાગો આવેલા છે આ વિભાગોમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અરજદારો પોતાની કામગીરી માટે આવતા હોય છે ત્યારે જિલ્લા પંચાયત કચેરીમાં કામગીરી માટે આવતા અરજદારો અને અહીં ફરજ બજાવતા કર્મચારીઓ માટે વર્ષો પૂર્વે પીવાના પાણી માટે કુલર મૂકવામાં આવ્યા હતા પરંતુ આ વોટર કુલર માંથી મોટાભાગના વોટર કુલર હાલ બંધ હાલતમાં અને ભંગારમાં ફેરવાયેલા નજરે ચડે છે.
જેથી અહીં આવતા અરજદારો ને પીવાના પાણી માટે ફરજિયાત પૈસા ખર્ચ કરી પાણી લેવાની ફરજ પડે છે તો કર્મચારીઓ માટે પણ બહારથી પાણી મંગાવવાની ફરજ પડે છે આ કચેરીમાં પાણીના નવા કુલર ઉપલબ્ધ કરવા ગત વર્ષના બજેટમાં લાખો રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી હતી.
તેમ છતાં પણ પીવાના પાણીના કુલર ઉપલબ્ધ થયા નથી. હાલ વરસાદ બાદ પણ ઉકળાટ જોવા મળી રહ્યો છે તેવા સમયે જિલ્લા પંચાયતમાં પીવાના પાણીની સુવિધા ન હોવાથી અરજદારો અને કર્મચારીઓને મુશ્કેલી વેઠવીપડી રહી છે.