Ahmedabad તા.૪
અમદાવાદના હેરિટેજ સરખેજ રોજાના ગુંજબનો કળશ ચોરાયો છે. રોજાના ગુંજબ ઉપર રહેલો ૬-૭ કિંગ્રા વજન ધરાવતો રૂ.૧૭૦૦ કિંમતનો કળશ અને પાદડું પણ ગાયબ છે. ત્યારે સેક્રેટરી નિઝામ હરિખાન સિદ્દીકી ઉર્ફે બબલુ ખાને સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. સરખેજ પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે.
સરખેજના રોજાનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદની ઓળખ સમા આ ઈમારતમાંથી ખજાનાની ચોરી થઈ છે. સરખેજના રોજાની મજાર પર મૂકાયેલા તાંબા પિત્તળના ગુંબજની ચોરી થઈ છે. આ ઈમારતની દેખરેખ આર્કિયોલોજી વિભાગ હેઠળ આવતી હોય છે. તેથી આ ચોરી અંગેની જાણ આર્કિયોલોજી વિભાગમાં કરવામાં આવી છે. આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા ચોરી અંગેની ફરિયાદ સરખેજ પોલીસ મથકે નોંધાવવામાં આવી છે.જોકે, મહત્વની બાબત એ છે કે, આટલી વિશાળ હેરિટેજ ઈમારત હોવા છતાં અહી કોઈ સીસીટીવી કેમેરા લાગેલા નથી. તેથી પોલીસને કોઈ પુરાવા પણ મળ્યા નથી. હાલ સરખેજ પોલીસ આ ચોરને શોધવા માટે કવાયત હાથ ધરી છે.
સરખેજના રોજમાં ફાતેહાખ્વાની માટે રાખવામાં આવેલા મુજાવર અબ્દુલ કાદરે જણાવ્યું કે, ૩૦ જુનના રોજ રાબેતામુજબ ઉઠીને અમે સફાઈ કામગીરી હાથ ધરી હતી. જેમાં મજારના પાછળ એક દરોડું લટકતું જોયું અને ઘુમ્મટની ટોચ પરથી તાંબા પિત્તળનો કળશ અને તાંબા પિત્તળનું નાનું પાદડું પણ ગુમ થયેલું જોવા મળ્યું હતું. તેથી આ અંગે અમે રોજા કમિટીના સેક્રેટરી નિઝામ હરીખાન સિદ્દીકીને જાણ કરી હતી. જેના બાદ પોલીસને જાણ કરાઈ હતી. હાલ સરખેજ પોલીસે સમગ્ર વિસ્તારના લોકોની પૂછપરછ શરૂ કરી ગુમ થયેલા ગુંબજની તલાશ શરૂ કરી છે.