London,તા.5
ઇંગ્લેન્ડ સામે ભારતની પહેલી ઈનિંગ્સમાં 269 રનની રેકોર્ડબ્રેક ઇનિંગ્સ રમનાર ભારતીય કેપ્ટન શુભમન ગિલે ખુલાસો કર્યો કે તેણે પોતાના બાળપણના સમયમાંથી ઘણી પ્રેરણા લીધી હતી.
તેણે કહ્યું કે, આ સિરીઝમાં મેં મારા બેઝિક પર પાછા જવાનો પ્રયાસ કર્યો. મેં બાળપણમાં કરતો હતો એવી બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો. મેં 35-40 રન બનાવવા અથવા લાંબી ઇનિંગ્સ રમવા વિશે વિચાર્યું નહોતું. હું ફક્ત મારી બેટિંગનો આનંદ માણવા માગતો હતો.’
પંજાબના આ ક્રિકેટરે આગળ કહ્યું કે ’કેટલીક વાર જ્યારે તમે સરળતાથી સ્કોર કરી શકતા નથી ત્યારે તમે તમારી બેટિંગનો આનંદ માણવાનું બંધ કરી દો છો. તમે રન બનાવવાની જરૂરિયાત પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરો છો.
આ પહેલાંની ઓસ્ટ્રેલિયા સિરીઝમાં મને લાગ્યું કે મારી બેટિંગમાં મેં એ ગુમાવી દીધું છે. હું એટલું ધ્યાન કેન્દ્રિત કરતો હતો કે હું મારી બેટિંગનો આનંદ માણી શક્યો નહીં.
મેં IPL . 2025 દરમ્યાન જ ટેસ્ટ માટે તાલીમ શરૂ કરી. ત્યારથી મેં મારા મન અને શરીરને તૈયાર કરવાનું શરૂ કર્યું.’ ઑસ્ટ્રેલિયા ટૂર પર શુભમન ગિલ ત્રણ ટેસ્ટ-મેચમાં 93 રન જ કરી શક્યો હતો.
અન્ડર-16 અને અન્ડર-19ના દિવસો યાદ આવ્યા પપ્પાને
ભારતીય ક્રિકેટ બોર્ડે શેર કરેલા એક વિડિયોમાં ઐતિહાસિક ઇનિંગ્સ બાદ શુભમન ગિલને તેનાં મમ્મી-પપ્પાનો વોઇસ-મેસેજ સંભળાવવામાં આવ્યો હતો, જેમાં તેના પપ્પા લખવિંદર સિંહે કહ્યું કે ’શુભમન દીકરા, સારું રમ્યો. આજે તને બેટિંગ કરતાં જોવાની ખૂબ મજા આવી અને એનાથી મને ઘણો સંતોષ મળ્યો.
તારી ઈનિંગ્સે મને તારા બાળપણમાં તું કેવી રીતે રમ્યો હતો એની યાદ અપાવી દીધી; જેમ U16 અને U19 દિવસોમાં.મને ખૂબ ગર્વ થયો.’ શુભમન ગિલે ખુલાસો કર્યો કે પપ્પાએ શુભેચ્છા તો પાઠવી, પણ મેસેજમાં મને યાદ અપાવ્યું કે હું મારી ટ્રિપલ સેન્ચુરી ચૂકી ગયો છું.