Rajkot, તા.5
પોપટપરા નાલા પાસે ઝુપડામાં 22 વર્ષીય પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. હજુ ચારેક મહિના પહેલા જ દયા ઉધરેજીયાએ ભાગીને લખન સાથે લવ મેરેજ કર્યાં હતા.
આ અંગે મળતી વિગત મુજબ, દયાબેન લખનભાઈ ઉઘરેજીયા (ઉં. વ.22, રહે. પોપટપરા, સંતોષી નગર સેન્ટ્રલ જેલ સામે ઝુંપડામાં, રાજકોટ)એ આજે વહેલી સવારે ઝુંપડામાં ગળાફાંસો ખાઈ લેતા 108ના ઇએમટીએ સવારે 5.20એ જોઈ તપાસી મૃત જાહેર કરેલ. પતિ લખન ભુપતભાઈ ઉઘરેજીયાએ જણાવ્યા મુજબ, તે પતિ પત્ની બંને લારીમાં ફ્રુટ વેચવાનું કામ કરે છે.
સવારે આશરે 3 વાગ્યે તે ફ્રૂટ લેવા માટે યાર્ડમાં ગયો હતો. ત્યાં પહોંચતા તેને ફોન આવ્યો કે દયાએ આવું પગલું ભરી લીધું છે. લખન તુરંત ઘરે આવ્યો તો ઝુંપડામાં લાકડાની આડીમાં સાડી બાંધી દયાએ ગળાફાંસો લગાવી લીધો હતો.
લખને આ જોઈ શાક સુધારવાની છરી વડે સાડી કાપી દયાને નીચે ઉતારી હતી. પછી પરિવારજનો 108 માં જાણ કરતા અને પોલીસમાં જાણ કરતા પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના એએસઆઈ શિતલબેન જોરા, રાઇટર કાનાભાઈ મીર દોડી ગયા હતા જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.
પૂછપરછ માં જાણવા મળેલ કે, દયાએ અગાઉ ભુપગઢના યુવાન સાથે લવ મેરેજ કર્યા હતા. પહેલા લગ્નથી તેને પાંચ વર્ષનો પુત્ર છે. જે પછી લખનનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ મારફત દયા સાથે થયો હતો.
દયા લખનની કૌટુંબિક ભાણેજ પણ થતી હોય, બંને સંપર્કમાં આવ્યા બાદ પ્રેમ સંબંધ બંધાતા હજુ ચાર માસ પહેલા જ બંનેએ ભાગીને લગ્ન કર્યા હતા. આપઘાતનું કારણ ઘરકંકાસ છે કે, પછી અન્ય કોઈ કારણ છે તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દયાના માવતરના સભ્યો ભગવતીપરામાં રહેતા હોય તેઓને જાણ કરાઈ હતી.