New Delhi, તા. 5
દેશમાં નેશનલ હાઇવેની સફરમાં એક મોટી રાહત મળી છે. કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ટોલટેકસની ગણતરીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને તેના કારણે રાષ્ટ્રીય રાજમાર્ગો પર ટોલટેકસમાં 50 ટકા જેટલો ફાયદો થશે.
સરકારે જાહેર કરેલી ફોર્મ્યુલામાં નેશનલ હાઇવે ટોલ નિયમ 2008માં સુધારો કર્યો છે અને તે અંગે તા.2 જુલાઇ ના રોજ તેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે જેના કારણે ટોલની ગણતરીની પધ્ધતિ પણ બદલાઇ ગઇ છે અને યાત્રીઓ પર બોજો પણ ઘટશે.
મંત્રાલય દ્વારા અંગે જે ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે તેના આધારે હવે ટોલટેકસ નકકી થશે અને તેમાં સૌથી મહત્વનું એ છે કે જે માર્ગો પર ટનલ, પુલ, ફલાયઓવર અથવા એલીવેટેડ માર્ગો આવેલા હોય ત્યાં આ નવી ફોર્મ્યુલા લાગુ થશે.
જે મુજબ દ્રષ્ટાંતરૂપે કોઇ રાષ્ટ્રીય રાજમાર્ગની કુલ લંબાઇ 40 કિ.મી. હોય જે ક્ષેત્રમાં ટોલટેકસ લાગતો હોય તો તેની લઘુતમ લંબાઇને તેની વાસ્તવિક લંબાઇના 10 ગણા એટલે કે 40 કિ.મી.ના માર્ગના 400 કિ.મી. ગણીને અથવા તો કુલ પાંચ ગણો ગણીને 200 કિ.મી.ની ગણતરી મુજબ ટોલટેકસ લેવામાં આવશે અને તે મુજબ ફકત 50 ટકા જ ટોલટેકસ ભરવાનો રહેશે.
આ સમગ્ર નવી નીતિનો અમલ જે માર્ગો પર અલગથી પુલ, સુરંગ(ભુગર્ભ માર્ગ) ફલાયઓવર અથવા તો કોઇ એલીવેટેડ માર્ગ હશે તેને લાગુ પડશે. આ સમગ્ર પ્રક્રિયા મુજબ આગામી દિવસોમાં ટોલટેકસની રકમ ઘટી જશે. તેવો સંકેત છે.
અત્યાર સુધી દરેક હાઇવે પર કિલોમીટર મુજબ સામાન્ય ટોલટેકસના 10 ગણી રકમ વસુલાતી હતી અને તેનો તર્ક એ હતો કે આ ટોલની ગણતરી પુલ સહિતના વધારાના જે બાંધકામો છે તેના ખર્ચને ગણતરી કરવા માટે આ પધ્ધતિ અપનાવાઇ હતી પરંતુ હવે કોઇ પણ નેશનલ હાઇવે કે જેના પર ટોલટેકસ લાગતો હોય તેમાં ફલાયઓવર, અન્ડરપાસ, સુરંગ જેવી સ્થિતિમાં ટોલટેકસ 50 ટકા ઘટી જશે.
સરકાર આ બાબતમાં ટુંક સમયમાં જ તમામ ટોલનાકાઓ માટે નવો ટોલટેકસ દર પણ જાહેર થઇ જશે. આ ઉપરાંત નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ એક સ્માર્ટ ડિજીટલ સુવિધા લોન્ચ કરી છે.
જેમાં હાઇવે ઉપર સફર કરનાર માટે મદદરૂપ બનશે અને એકથી વધુ માર્ગ પર સફરનો તેની પાસે વિકલ્પ હોય તો કયાં માર્ગ પર તેને ઓછો ટોલ ટેકસ લાગશે તે પણ માહિતી મળી જશે.
જેમ કે દિલ્હીથી લખનઉ જવા માટે ત્રણ રૂટ છે અને જેઓને ખ્યાલ ન હોય તેઓને કોઇપણ રૂટમાં જવાથી ટોલ ટેકસ વધારે ભરવો પડે તેવી શકયતા પણ રહે છે અને તેના કારણે માર્ગો પર બીનજરૂરી વધારાનો બોજો પણ સર્જાઇ છે.