Mumbai,તા.05
અનિતા હસનંદાની એક લોકપ્રિય ટીવી અભિનેત્રી છે અને તેને ખૂબ જ પસંદ પણ કરવામાં આવે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, પરંતુ હવે તેણે એવી પોસ્ટ કરી છે કે જે વાંચીને તેના ચાહકો નારાજ થઈ ગયા છે. અનિતાએ સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ કરી છે જેમાં તેણે ચાહકોની માફી માંગી છે અને લખ્યું છે કે હું સાઈન ઓફ કરી રહી છું.
અનિતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છે કે, ‘માફ કરશો મિત્રો… હું સાઇન ઓફ કરી રહી છું. ઘણા સમયથી બધું ખૂબ જ લાઉડ ચાલી રહ્યું છે… હવે મારે ફરીથી મારી જાતને સાંભળવી પડશે.’
ચાહકોની સાથે, ઘણા સેલેબ્સ આ પોસ્ટ પર અનિતાને સપોર્ટ કરી રહ્યા છે. કેટલાક હાર્ટ ઇમોજી પોસ્ટ કરી રહ્યા છે તો કેટલાક તેને શુભકામનાઓ આપી રહ્યા છે.
આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે અનિતા રિયાલિટી ટીવી શો પર પાછા ફરવાની અફવા છે. અહેવાલો અનુસાર, તે ટૂંક સમયમાં આગામી શો ‘ગોરિયા ચલી ગાંવ’માં સ્પર્ધક બની શકે છે. આ શો મરાઠી હિટ જૌ બાઈ ગાવતથી પ્રેરિત છે. આ શોમાં 12 જાણીતી અભિનેત્રીઓ શહેરી સુખ-સુવિધાઓથી દૂર એક ગામમાં 10 અઠવાડિયા વિતાવશે. ઉપરાંત, તેઓ ત્યાં તેમના ફોન અને ફેસેલીટી વિના રહેશે અને પરંપરાગત ચૂલા પર રસોઈ કરવી અને કુવાઓમાંથી પાણી લાવવું જેવા રોજિંદા કાર્યો કરશે.
તાજેતરમાં, નિર્માણ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે અનિતાએ તાજેતરમાં શોના નિર્માતાઓને મળી છે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અનિતા અગાઉ ફિયર ફેક્ટર: ‘ખતરોં કે ખિલાડી’, ‘નચ બલિયે’ અને ‘ઝલક દિખલા જા’ જેવા શોમાં જોવા મળી ચૂકી છે.