Srinagar,તા.5
હિન્દુઓની પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે અને સેંકડો ભાવિકો પવિત્ર યાત્રા માટે ઉમટયા છે ત્યારે આજે સવારે જમ્મુના રામબનમાં એકસાથે પાંચ બસો વચ્ચે અકસ્માત સર્જાતા 36 યાત્રાળુઓને નાની-મોટી ઈજા થઈ હતી.જમ્મુથી પહેલગાવના બેસ કેમ્પ પર જઈ રહેલી એક બસની બ્રેક ફેઈલ થઈ જતાં ધડાધડ અન્ય ચાર બસો સાથે ટકરાઈ પડી હતી.
રામબનનાં પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે, દુઘર્ટનાગ્રસ્ત બસોમાં યાત્રાળુઓને જમ્મુથી પહેલગાવનાં બેઝકેમ્પમાં લઈ જવાતા હતા ત્યારે જમ્મુ-શ્રીનગર હાઈવે પર ચંદરકુટ નજીક લંગર પાસે જ આ અકસ્માત સર્જાયો હતો.
એક બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી અને તેને કારણે બ્રેક નહિં લાગતા અન્ય ચાર બસો ઝપટે ચડી ગઈ હતી. કુલ 36 યાત્રાળુઓને નાની-મોટી ઈજા થઈ હતી. જોકે કોઈને ગંભીર ઈજા ન હોવાથી તાત્કાલીક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
યાત્રાળુઓને બેઝકેમ્પ પર પહોંચાડવા માટે વૈકલ્પિક વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દુર્ઘટનાની જાણ થતા પોલીસ સહિત વિવિધ વિભાગોનાં અધિકારીઓ તથા રેસ્કયુ ટીમનાં સ્ટાફને દોડાવવામાં આવ્યો હતો
ઈજાગ્રસ્તો મોટાભાગનાં મધ્યપ્રદેશનાં હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતના મેઘરજના એક યાત્રાળુને પણ ઈજા થયાનું બહાર આવ્યું છે.આ સિવાય રાજસ્થાન, ઉતરપ્રદેશ, દિલ્હી અને હરિયાણાનાં પણ અનેક યાત્રાળુઓ હોવાનું ખુલ્યુ છે.