બીમારીથી તંગ આવી સોનલબેનએ ઝેરી દવા પી લેતા સારવારમાં દમ તોડ્યો, પરિવારમાં શોક
Rajkot તા.૨૪ઃ
શહેરના કાલાવડ રોડ પર આવેલ એવરેસ્ટ પાર્ક વિસ્તારમાં હૃદયની બીમારીથી કંટાળીને વૃદ્ધાએ પોતાના ઘરે જ ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી છે. તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા પરિવારમાં શોક છવાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, કાલાવડ રોડ પર જાડુસ હોટેલ પાછળ આવેલ એવરેસ્ટ પાર્ક શેરી નં ૧ માં રહેતા સોનલબેન પંકજભાઈ પારેખ (ઉં ૬૭) ગઈકાલે સાંજે ૫૦૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા ત્યારે તેમને ઝેરી દવા પી લીધી હતી, ઘટનાની જાણ પરિવારને થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, સોનલબેન છેલ્લા ઘણા સમયથી હૃદયની બીમારીથી પીડાતા હતા, જેનાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હતું, બનાવને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

