કાવ્યા એલોય ફેક્ટરીમાંથી કોપર ચોરી કરતા ઝડપાયેલા શ્રમિકને ખાટલા સાથે બાંધી કારખાનેદાર પુત્ર સહીતની ટોળકીએ બેરહેમીપૂર્વક માર મારી હત્યાને અંજામ આપ્યો’તો
Rajkot તા.૨૪ઃ
રાજકોટની ભાગોળે આવેલા મઘરવાડા ગામે કાવ્યા એલોય કારખાનામાંથી કોપર ચોરી કરતા ઝડપાયેલા યુવાનને કારખાનેદારના પુત્ર સહીતની ટોળકીએ ખાટલા સાથે બાંધી મશીનના પટ્ટા અને પ્લાસ્ટિકની નળી વડે બેરહેમીપૂર્વક મરણતોલ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સમગ્ર ઘટનામાં કુવાડવા રોડ પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી કારખાનેદારના પુત્ર સહીત નવ શખ્સોની ધરપકડ કરી લીધી છે.
સમગ્ર ઘટનાની વિગતો પર નજર કરવામાં આવે તો મઘરવાડા ગામ નજીક કાવ્યા એલોય કારખાનામાં છેલ્લા બે મહિનાથી રહેતો મૂળ યુપીનો વતની ચંદ્રવિર ચૌહાણ કારખાનામાંથી કોપર ચોરી કરતો ઝડપાયો હતો. જે બાબતની જાણ થતા કારખાનેદારના પુત્ર સહિતનાઓએ શ્રમિક યુવાનને ખાટલા સાથે બાંધી પ્લાસ્ટિકના પાઇપ અને મશીનના પટ્ટા વડે મરણતોલ માર મારતા યુવાને દમ તોડી દીધો હતો. પરિણામે સમગ્ર ઘટના હત્યામાં પલટાતા કુવાડવા રોડ પોલીસે કારખાનેદાર પુત્ર સહીત નવ શખ્સો વિરુદ્ધ નામજોગ અને બે અજાણ્યા શખ્સ મળી કુલ ૧૧ શખ્સો વિરુદ્ધ હત્યા, રાયોટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
ઘટનાને પગલે કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ જાની સહિતના સ્ટાફે તાત્કાલિક કાવ્યા એલોય કારખાનાના માલિકના પુત્ર સાહિલ ભાવેશભાઈ લીંબાસયા (રહે. ઇન્દ્રપ્રસ્થનગર શેરી નંબર ૧૦ હેમુ ગઢવી હોલની પાછળ,રાજકોટ ) મેનેજર વિવેક ઉર્ફે સન્ની નીતિનભાઈ રૈયાણી (ઉ.વ. ૨૯ રહે. ખેરડી તા. રાજકોટ), રાજુ અશોકભાઈ ઠાકોર (ઉ.વ.૩૩ રહે. કારખાનાની ઓરડીમાં), પાર્થ સંજયભાઈ હાપલિયા (ઉ.વ. ૨૪ રહે. મઘરવાડા), ડેનિસ દિનેશભાઈ હાપલિયા (ઉ.વ. ૨૮ રહે. અભિરામ પાર્ક મોરબી રોડ જકાતનાકા પાસે), રમેશ મંગડુભાઈ સિદ્ધાર્થ (ઉ.વ.૩૦ રહે. મૂડી યુપી હાલ કારખાનાની ઓરડીમાં), સત્યમ ધીરૂભાઈ ડોબરીયા (ઉ.વ. ૨૯ રહે. સાગર પાર્ક શેરી નંબર ૩, મોરબી રોડ), વિશાલ કનૈયાલાલ જાટપ(ઉ.વ.૨૬ રહે. મુળી યુપી હાલ કારખાનાની ઓરડીમાં) અને મુન્ના મંસારામભાઈ વર્મા(ઉ.વ.૩૦ હાલ કારખાનાની ઓરડી)ની ધરપકડ કરી હતી.

