સપ્તાહમાં પૈસા આપી દેવાની શરતે માલ મંગાવ્યા બાદ વારંવાર ગલ્લા તલ્લા કર્યા : ઉઘરાણી કરતા ધમકી આપી
Rajkot,તા.05
રાજકોટના શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી રૂ. 2.15 લાખનું બુચ મારી દેતા ભાયાવદર પોલીસમાં ગુનો નોંધાયો છે. એક સપ્તાહમાં પેમેન્ટ આપી દેવાની શરતે માલ મંગાવ્યા બાદ ઠગબાજે પૈસા આપવા બાબતે ગલ્લા તલ્લા કર્યા હતા. બાદમાં ઉલટી ધમકી પણ આપતાં પોલીસે શોધખોળ શરૂ કરી છે. ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં સિનેમા રોડ પર રહેતા હાર્દિકભાઈ રમેશભાઈ જાવીયા(ઉ.વ 31) દ્વારા ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં મવડી ચોકડી પાસે રાજ એન્ટરપ્રાઇઝ નામે દુકાન ધરાવનાર જયેશ ઉર્ફે રસિક પટેલનું નામ આપ્યું છે.હું જયસુખ ઉર્ફે રસિક પટેલ બોલું છું. મારે રાજ એન્ટરપ્રાઇઝ મવડી ચોકડી, રાજકોટ ખાતે ઓફિસ છે. રાજકોટમાં હોટેલ તથા આજુબાજુના ગામડાઓમાં પાપડ હોલસેલમાં સપ્લાય કરું છું. હું તમને અઠવાડિયાથી અઠવાડિયાનું પેમેન્ટ કરી આપીશ મને ઉધાર માલ આપો તો હું તમને સારો ભાવ આપીશ તેમ કહી અહીંથી કટકે કટકે કુલ રૂપિયા 2.15 લાખનો માલ આ શખસે ઉધારમાં લીધો હતો. ત્યારબાદ હિસાબે થતી રકમ માટે જયેશને 20 થી 25 વાર ફોન કરતા તે થોડાક દિવસમાં ઉધારની રકમ આપી દેવાનું વચન આપ્યું હતું. ત્યારબાદ ફોન પણ બંધ કરી દીધો હતો.
ત્યારબાદ તેને નવો નંબર આપ્યો હતો જેથી તેમાં ફોન કરતા કહ્યું હતું કે, તારા નીકળતા પૈસા હવે ભૂલી જજે. હવે જો ફોન કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આમ આ શખસે ફરિયાદીના ગૃહ ઉદ્યોગમાંથી રૂપિયા 2.15 લાખના પાપડ ઉધારમાં મંગાવી તેનું પેમેન્ટ ન કરી છેતરપિંડી કરી હતી. જે અંગે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.