Mumbai, તા.7
રવિવારે સાંજે દેશના વિવિધ ભાગોમાં ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોની સેવાઓ અચાનક ખોરવાઈ જતાં લાખો યુઝર્સ પ્રભાવિત થયા હતા. સાંજે 7:00 વાગ્યા પછીથી, હજારો જિયો યુઝર્સે મોબાઇલ નેટવર્ક, ઇન્ટરનેટ અને કોલિંગ સેવાઓમાં ગંભીર સમસ્યાઓની ફરિયાદ કરી હતી. આ આઉટેજની અસર એવી હતી કે દેશભરમાં યુઝર્સ ન તો કોલ કરી શકતા હતા કે ન તો મોબાઇલ ડેટાનો ઉપયોગ કરી શકતા હતા.
ડાઉનડિટેક્ટર વેબસાઇટ અનુસાર, દેશભરમાં જિયો સર્વિસ ડાઉન થયાની 15 હજારથી પણ વધુ ફરિયાદો નોંધાઈ હતી. જિયો યુઝર્સે તેમની સમસ્યાઓ ટ્વિટર પર શેર કરી હતી, જેના કારણે JioDown ટ્રેન્ડ કરવા લાગ્યો હતો. ઘણા લોકોએ સ્ક્રીનશોટ શેર કર્યા હતા જેમાં નેટવર્ક સંપૂર્ણપણે ગાયબ હતું.
કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું કે તેઓ ’નો સર્વિસ’ લખેલું જોઈ રહ્યા હતા અને કોલ પણ કરી શકતા ન હતા, જેનાથી વ્યાપક રોષ જોવા મળ્યો હતો.
મોડીસાંજે કંપનીએ સત્તાવાર રીતે માહિતી આપી છે કે બધી સેવાઓ હવે સામાન્ય છે અને યુઝર્સ પહેલાની જેમ કોલ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.
જો કોઈ વપરાશકર્તાને હજુ પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય, તો તેમને ફોન રીસ્ટાર્ટ કરવા, એરપ્લેન મોડ ચાલુ કરવા અથવા WiFi થી કનેક્ટ થવાની સલાહ આપવામાં આવી હતી.
અગાઉ પણ, સોમવાર, જૂન 16 ના રોજ બપોરે 1:30 થી 2:30 વાગ્યાની વચ્ચે દેશના વિવિધ ભાગોમાં રિલાયન્સ જિયોની સેવાઓ અચાનક બંધ પડી ગઈ હતી, જેના કારણે લાખો યુઝર્સ પ્રભાવિત થયા હતા. જોકે, ત્યારે પણ કંપનીની સેવાઓ ઝડપથી પુન:સ્થાપિત કરી દેવામાં આવી હતી.