New Delhi, તા.7
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી એ રવિવારે ‘બિયોન્ડ બોર્ડર્સ’ પુસ્તકના વિમોચન પ્રસંગે વૈશ્વિક પરિસ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે વર્તમાન સંઘર્ષો એવી પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે જ્યાં વિશ્વ યુદ્ધ ગમે ત્યારે ફાટી નીકળી શકે છે, તેથી સાવધાન રહેવાની તાતી જરૂર છે.
યુદ્ધ અને ટેકનોલોજીકલ પ્રગતિની ચિંતા
ગડકરી એ સ્પષ્ટપણે કહ્યું કે, “ઇઝરાયલ અને ઈરાન તેમજ રશિયા અને યુક્રેનમાં યુદ્ધ વચ્ચે સમગ્ર વિશ્વમાં સંઘર્ષનું વાતાવરણ છે. પરિસ્થિતિ એવી છે કે આ બે યુદ્ધોની પૃષ્ઠભૂમિમાં ગમે ત્યારે વિશ્વ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા છે.”
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, યુદ્ધ સંબંધિત ટેકનોલોજીકલ પ્રગતિએ યુદ્ધના પરિમાણો બદલી નાખ્યા છે, જેના કારણે માનવતાનું રક્ષણ કરવું પણ મુશ્કેલ બની રહ્યું છે.
મિસાઇલો અને ડ્રોનનો વધતો ઉપયોગ ટેન્ક અને અન્ય પ્રકારના વિમાનોની સુસંગતતા ઘટાડી રહ્યો છે, જ્યારે નાગરિક વસાહતો પર ઘણીવાર મિસાઇલો છોડવામાં આવે છે, જે એક ગંભીર સમસ્યા ઊભી કરી રહી છે.
વૈશ્વિક સંવાદ અને ભારતની ભૂમિકા
ભાજપ ના વરિષ્ઠ નેતા ગડકરી એ મહાસત્તાઓની સરમુખત્યારશાહી અને આપખુદશાહી પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આના કારણે સંકલન, પરસ્પર સંવાદિતા અને પ્રેમનો અંત આવી રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં સંઘર્ષનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, “આ કહેવું યોગ્ય રહેશે નહીં, પરંતુ આ બધું ધીમે ધીમે વિનાશ તરફ દોરી રહ્યું છે.”
ગડકરી એ ભારતને સત્ય, અહિંસા અને શાંતિનો સંદેશ આપનાર ભગવાન બુદ્ધની ભૂમિ ગણાવતા, આંતરરાષ્ટ્રીય ઘટનાઓની સમીક્ષા કરવાની અને વિચાર-વિમર્શ પછી ભવિષ્યની નીતિ ઘડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે આવા ગંભીર મુદ્દાઓ પર વૈશ્વિક સ્તરે ચર્ચા કરવાની તાત્કાલિક આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
દેશમાં ગરીબી વધી રહી છે, ધન કેટલાક અમીરોના હાથમાં જઈ રહ્યું છે
ઉદાર આર્થિક નીતિઓનું શ્રેય પૂર્વ પીએમ નરસિમ્હા રાવ અને મનમોહનસિંહને : કેન્દ્રીય મંત્રી
નવી દિલ્હી: કેન્દ્રીય પરિવહન મંત્રીએ દેશમાં વધી રહેલી અમીર-ગરીબની વધતી ખાઈ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશમાં ગરીબોની સંખ્યા વધી રહી છે અને ધન કેટલાક અમીરોના હાથમાં કેન્દ્રીત થઈ રહ્યું છે.
ગડકરીએ ધનના સમાન વિતરણની આવશ્યકતા પર જોર દીધું છે અને અર્થવ્યવસ્થાને રોજગાર સર્જન અને ગ્રામીણ વિકાસની દિશા તરફ વાળવાની વાત કરી હતી.
શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે ધીરે-ધીરે ગરીબોની સંખ્યા વધી રહી છે અને દોલત કેટલાક અમીરો પાસે એકઠી થઈ રહી છે. આમ ન થવું જોઈએ.
પુર્વ વડાપ્રધાનો નરસિંહરાવ અને મનમોહનસિંહની પ્રશંસા કરી: ઉદાર આર્થિક નીતિઓનું શ્રેય પુર્વ વડાપ્રધાન પી.વી.નરસિમ્હા રાવ અને મનમોહનસિંહને જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો કે આ નેતાઓ પણ ધનને કેન્દ્રીકરણ થતું રોકી શકયા નહોતા.
ખાલી પેટવાળાનું દર્શન ન શીખવી શકાય: ગડકરીએ જણાવ્યું હતું કે મેન્યુફેકચરીંગથી જીડીપીમાં 22-24 ટકા ભાગ આપે છે, સર્વિસ સેકટરથી 52-54 ટકા જયારે કૃષિ કે જે ગ્રામીણ વસ્તીના 65-70 ટકા હિસ્સો રાખે છે, માત્ર 12 ટકા યોગદાન આપે છે. તેમણે સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ખાલી પેટવાળાને દર્શન (તત્વજ્ઞાન) ન શિખવી શકાય.