Washington,તા.8
પાકિસ્તાનનાં આર્મી ચીફ મુનીર બાદ હવે ઈઝરાયેલનાં વડાપ્રધાન નેતન્યાહુએ પણ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિનું નોબેલ પ્રાઈઝ મળે તે માટે ભલામણ કરી છે.
અમેરિકાનાં પ્રવાસે પહોંચેલા ઈઝરાયેલનાં વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ નોબેલ પીસ માટે ટ્રમ્પને યોગ્ય ઉમેદવાર બતાવતા કહયું હતું કે તેમને આ પુરસ્કાર મળવો જોઈએ. ઈઝરાયેલી પીએમએ એ પત્ર પણ ડોનાલ્ડ ટ્રમ્પને સોંપ્યો છે.
જે તેમની સરકાર તરફથી નોબેલ પુરસ્કાર સમિતિને મોકલવામાં આવ્યો છે. આ પત્રમાં ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિનાં પ્રયાસોને બતાવતા તેમને નોબેલ પીસ પ્રાઈઝ આપવાની ભલામણ કરાઈ છે.
વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પને પત્ર સોંપતા નેતાન્યાહુએ ટ્રમ્પને કહ્યું હતું કે, તેમને આ શાંતિનું નોબેલ પ્રાઈઝ મળવુ જોઈએ તમે આ સન્માન માટે યોગ્ય છે. આ વર્ષે જાન્યુઆરીમાં ટ્રમ્પનાં રાષ્ટ્રપતિ બન્યા બાદ બેન્જામીન નેતન્યાહુની અમેરીકાની આ ત્રીજી યાત્રા છે. નેતન્યાંહુનો આ યાત્રાનો ઉદેશ ગાઝામાં સીઝફાયર પર ચર્ચા કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે વારંવાર એ સંકેત આપ્યો છે કે તે નોબેલ પુરસ્કાર મેળવવાની ઈચ્છા રાખે છે. દુનિયાની અનેક લડાઈઓમાં દખલ બાદ પણ તેમણે પોતાની આ ઈચ્છા દુનિયા સામે રાખી છે.