Moscow,તા.8
રશિયામાં ભ્રષ્ટાચારના વિવાદમાં આવેલા પરિવહન મંત્રી રોમન સ્ટારવેઈટની હકાલપટ્ટી કરાયાના થોડા કલાકોમાં જ ગોળીથી વિંધાયેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમીક તપાસમાં કારમાં જ તેઓએ ગોળી ધરબીને આત્મહત્યા કર્યાની શંકા દર્શાવવામાં આવી છે.
યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે બોર્ડર પરની કામગીરીમાં ભ્રષ્ટાચાર વિશે સવાલો ઉઠયા હતા અને તેને પગલે રશિયન પ્રમુખ પુટિને ટ્રાન્સપોર્ટ મંત્રી રોમન સ્ટારોવોઈટની હકાલપટ્ટી કરી હતી. તેના થોડા કલાકોમાં જ મોસ્કોના સિમાડા નજીકથી ગોળીથી વિંધાયેલી હાલતમાં કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
એકાદ વર્ષથી જ પ્રધાનપદ મેળવનારા સ્ટારોઈટની હકાલપટ્ટી પાછળ કોઈ કારણ જાહેર કરવામાં આવ્યુ ન હતું. પરંતુ ભ્રષ્ટાચાર સામેની તપાસ અંતર્ગત હકાલપટ્ટી કરાયાની અટકળો વ્યક્ત થતી હતી.
ટ્રાન્સપોર્ટ મંત્રીના મોતના કારણ વિશે વિરોધાભાસી રિપોર્ટ છે. એનફોર્સમેન્ટ વિભાગે એવો દાવો કર્યો હતો કે કારમાંથી મંત્રીની જ પિસ્તોલ મળી આવી હતી. બીજી તરફ તપાસનીશ કમીટીએ હજુ કોઈ તારણ નિકળ્યુ ન હોવાનું કહ્યું હતું.