Patna,તા.9
દેશભરમાં આજે કેન્દ્રીય કામદાર સંગઠનો અને તેની સાથે જોડાયેલા અન્ય ટ્રેડ યુનિયન અને ખેડૂત સંગઠનોનું એક દિવસનું ‘ભારત બંધ’ની અસર શરૂ થઈ છે તે વચ્ચે બિહારમાં ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદીની સમીક્ષા મુદે આજે મુખ્ય વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળના નેતૃત્વમાં મહા ગઠબંધને આપેલા ચકકાજામના કારણે પાટનગર પટનાથી લઈને બિહારના અનેક શહેરોમાં માર્ગો ઉપર વાહનોને રોકવામાં આવ્યા છે અને ટ્રેન સેવાને પણ ઠપ્પ કરી દેવામાં આવી છે.
ચૂંટણીપંચ દ્વારા આ વર્ષના અંતમાં યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે સમગ્ર રાજયની મતદાર યાદીની 2003 બાદની સૌથી મોટી પૂન: સમીક્ષા કવાયત શરૂ કરવામાં આવતા જ વિપક્ષો ભડકી ઉઠયા છે ખાસ કરીને 2003 બાદ જેઓના નામ મતદાર યાદીમાં છે તેમને પોતે ભારતના નાગરીક હોવાના અનેક પૂરાવા આપવા ફરજીયાત બનાવ્યું છે.
જેના કારણે વિપક્ષોનો આરોપ છે કે, એક કરોડથી વધુ મતદારોની બાદબાકી થઈ જશે જેના વિરોધમાં આજે રાજદ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ બિહાર બંધ દરમ્યાન પટનામાં સડક ઉપર ભેંસો ઉતારવામાં આવી હતી. જેને કારણે ટ્રાફીક ખોરવાઈ ગયો હતો.
દિલ્હીથી રાહુલ ગાંધી પણ પટના પહોંચ્યા છે અને તેઓ તથા વિપક્ષના નેતા તેજસ્વી યાદવ હજારો કાર્યકર્તાઓ સાથે સડક પર ઉતર્યા છે અને અનેક માર્ગો પર અત્યારે વાહન વ્યવહાર ઠપ્પ કરી દીધો છે. હાજીપુર, ભગવાનપુર, સહિતના વિસ્તારોમાં પણ આ જ પ્રકારે સ્થિતિ છે.
મુઝઝફરનગરમાં હાઈવે જામ કરી દેવામાં આવ્યો હતો. પટના જીલ્લાના તમામ મોટા શહેરોમાં પણ આ જ પ્રકારે હાલત છે. કાર્યકર્તાઓએ ઠેર ઠેર ટાયરો સળગાવ્યા હતા અને રસ્તા પર આડસો મુકી હતી. અને બપોર બાદ પરિસ્થિતિ વધુ વકરે તેવા સંકેત છે.