એક લાખ લઈ નાસી ગયેલો પતિ ફરી ₹૩૫ હજાર લેતા બન્ને વચ્ચે બોલાચાલી બાદ પતિએ માર માર્યો
Rajkot,તા.27
શહેરની ભાગોળે આવેલા કુવાડવા વિસ્તારમાં નાણાકીય બાબતે ઘરકંકાસમાં પતિએ પોતાની જ પત્ની પર કુહાડી વડે હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. અગાઉ સગી ભાણેજને ભગાડી ગયેલો પતિ ફરી ઘરેથી મોટી રકમ લઈ જતાં થયેલા ઝઘડામાં બનાવ બન્યો હતો, પ્રાપ્ત વિગત મુજબ, કુવાડવામાં રહેતી અને રૂડાનગરમાં નોનવેજની હોટલ ચલાવતી અલ્પાબેન અમિતભાઈ વાળા(ઉં ૩૮) ગઈકાલે બપોરે પોતાના ઘરે હતી ત્યારે પતિ અમિત વાળા સાથે બોલાચાલી થઈ હતી. તકરાર ઉગ્ર બનતાં અમિતે ઉશ્કેરાઈને પત્ની અલ્પાબેન પર કુહાડી વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં લોહીલુહાણ થઈ ગયેલી મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અલ્પાબેને આક્ષેપ કરતા જણાવ્યું છે કે તેનો પતિ અમિત વાળા બે વર્ષ પૂર્વે ઘરેથી રૂ. ૧ લાખ રોકડા લઈ પોતાની સગી ભાણેજને ભગાડી ગયો હતો. બે મહિના પહેલાં જ તે પરત ફર્યો હતો. ગઈકાલે અમિતે ફરી ઘરેથી રૂ. ૩૫,૦૦૦ રોકડા ઉપાડી લેતાં પત્નીએ આ અંગે વિરોધ દર્શાવ્યો હતો. આ નાણાકીય ઝઘડાનું મનદુઃખ રાખી અમિતે પત્ની પર જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. ઘટના અંગે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

