Jamnagar,તા.11
હાલારમાં અપમૃત્યુના વધુ ત્રણ બનાવ બન્યા છે. જેમાં જામનગર નજીક ‘હિટ એન્ડ રન’ના વધુ બે બનાવમાં યુવાન અને આધેડના મોત નિપજ્યા હતા. ખંભાળિયા ધોરી માર્ગ પર રાહદારી પ્રૌઢ ઇકો કાર હેઠળ ચગદાઈ જતા કરૂણ મૃત્યુ થયું હતું. તો રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લા પાસે અજાણ્યા વાહનચાલકે બાઇકને હડફેટે લેતાં યુવાનનું કરૂણ મોત નોપજ્યું હતું. જયારે જામજોધપુરના રામવાડી વિસ્તારમાં રહેતા એક ખેડૂતનું પોતાની વાડીમાં ખેતીકામ દરમિયાન હૃદય થંભી જતાં અપમૃત્યુ થયું હતું.
જામનગર તાલુકાના નાની ખાવડી ગામમાં રહેતા ગંભીર સિંહ ભગવાનજી જેઠવા (57) ગત તા. 1ના બપોરે 12.00 વાગ્યાના અરસામાં જામનગર-ખંભાળિયા હાઈવે રોડ પર શાપર ગામના પાટીયા પાસેથી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા. પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા ઇકો કારના ચાલકે તેઓને હડફેટમાં લઈ લીધા હતા અને ગંભીર ઈજા પહોંચાડી હતી. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
બીજા બનાવમાં જામનગર તાલુકાના ફલ્લા ગામ પાસેથી બાબુલાલ રામજીભાઈ લામકા નામનો 22 વર્ષનો યુવાનું પોતાનું બાઇક લઈને જતો હતો, ત્યારે એક અજાણ્યા વાહનએ તેને હડફેટે લેતાં ચાલક યુવાનને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અન્ય એક બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં રામવાડી વિસ્તારમાં રહેતા દિનેશભાઈ બાવનજીભાઈ ઘોડાસરા નામના 62 વર્ષના ખેડૂત બુઝુર્ગ ગઈકાલે હોથીજી ખડબા ગામમાં આવેલી પોતાની વાડીમાં ઊભા પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓને હૃદય રોગનો હુમલો આવી ગયો હતો અને બેશુદ્ધ બન્યા હતા. આથી તેમને સારવાર માટે જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, ત્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.