Bhopal, તા.28
ક્નઝયુમર (મુસાફર) સેટીસ્ફેક્શન (સંતોષ) ઇન્ડેક્સમાં `ટોપ’ રેન્ક મેળવનાર મધ્ય પ્રદેશના ખજુરાહો એરપોર્ટ પર એક પણ ફ્લાઇટનું ઉડાન ન હોવાનો ખુલાસો થયો છે.
એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં ખજુરાહો એરપોર્ટને ટોપ રેન્ક આપ્યો હતો.
હવે જુલાઇ-ઓગસ્ટમાં આ એરપોર્ટ પરથી એકપણ ફ્લાઇટનું સંચાલન ન રહેતા સમગ્ર રેન્કીંગ પધ્ધતિ સામે ગણગણાટ શરૂ થયો છે. આ એરપોર્ટ પરથી વારાણસી સાથે દિલ્હીના બે રૂટ પર જ વિમાની ઉડ્યન થતું હતું અને હવે તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
રસપ્રદ બાબત એ છે કે ખજુરાહો એરપોર્ટના ટર્મીનલનું નિર્માણ 1960ના દાયકામાં થયું હતું પરંતુ પ્રથમ વિમાની ઉડાન 1978માં થઇ હતી. ખજુરાહો એરપોર્ટ પરથી મુખ્યત્વે દિલ્હી-વારાણસીની ફ્લાઇટ જ હતી અને તે પણ 1 જુલાઇથી બંધ છે. એરપોર્ટ ડાયરેક્ટર સંતોષસિંઘે કહ્યું કે ઓક્ટોબરથી બન્ને રૂટ પરની ફ્લાઇટ શરૂ થવાની છે.
ક્નઝયુમર સેટીસ્ફેકશન ઇન્ડેક્સ સ્વતંત્ર એજન્સી મારફત સર્વેના આધારે જાહેર કરવામાં આવે છે જેમાં મુસાફરોને જુદા-જુદા 33 સવાલો પૂછવામાં આવે છે. પાઉન્ડ ટ્રાન્સપોર્ટથી માંડીને પાર્કિંગ-વાઇફાઇ-ફૂડ આઉટલેટ સુધીની સુવિધાઓનું વિશ્લેષણ કરીને સર્વે રીપોર્ટ તૈયાર થાય છે અને તેના આધારે રેન્કીંગ જાહેર કરવામાં આવે છે.
જાણકારોના કહેવા પ્રમાણે માત્ર સિઝનમાં જ કાર્યરત થતાં એરપોર્ટ પ્રવાસીઓની અપેક્ષા પૂર્ણ કરી શકે છે છતાં તેમાં ટોપ-રેન્ક આપવો તે પધ્ધતિ સામે સવાલ સર્જે છે.

