New Delhi,તા.11
અમદાવાદ વિમાની દુર્ઘટના બાદ એક તરફ એવીએશન સુરક્ષા મુદે હવે નવેસરથી વિચારણા શરૂ થઈ છે તે સમયે એરલાઈન્સની અનેક બેદરકારીઓ પણ બહાર આવી રહી છે. લંડનથી દિલ્હી આવી રહેલી વર્જીન એટલાંટીક એરલાઈન્સની ફલાઈટમાં મીડ એર જ વિમાની ઈંધણ ઘટી જતા તેને તાત્કાલીક લખનઉ વિમાની મથકે ઈમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી હતી.
300 મુસાફરો અને ક્રુ મેમ્બર સાથેનું આ વિમાન સવારે 10 વાગ્યે લંડનના હીથ્રો એરપોર્ટથી રવાના થયુ હતું અને 10 કલાક થી વધુની ઉડાન બાદ તે રાત્રે દિલ્હી પહોંચવાનું હતું. વિમાન સમયસર રવાના થયુ પરંતુ તે દિલ્હી પહોંચે તે પુર્વે જ તેના ઈંધણમાં જબરો ઘટાડો થયો હોવાનું માલુમ થયુ.
જેથી વિમાન દિલ્હી સુધીની સફર પુરી કરી શકશે નહી તેવુ જણાતા વિમાનને લખનઉ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગની મંજુરી આપવામાં આવી હતી અને બાદમાં તેમાં ઈંધણ પુરુ ભરીને દિલ્હી રવાના થયુ હતું.
વિમાનના યાત્રીકોને જોકે આ અંગે જાણ કરવામાં ન આવી હતી. પરંતુ લખનઉ એરપોર્ટ પર ઉતર્યા બાદ ટેકનીકલ કારણોસર ટુંકુ રોકાણ કરાયુ હોવાનું જણાવીને વિમાનને તુર્તજ પરત દિલ્હી લઈ જવાયુ હતું.