Jamnagar,તા ૧૧,
જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણમાં માલ ઢોર ચરાવવાના પ્રશ્ને બબાલ થયા પછી વન ખાતા ના ચાર કર્મચારીઓ પર હીંચકારો હુમલો કરી દેવાયો હતો. જે પ્રકરણમાં પંચકોશી એ. ડિવિઝનનું પોલીસ તંત્ર તુરતજ એલર્ટ થયું હતું, અને તાત્કાલિક અસરથી વનકર્મીઓ ઉપર હુમલો કરનાર ત્રણ શખ્સોને શોધી કાઢ્યા હતા. જેઓ સામે ગુનો નોંધી લેવાયા બાદ ત્રણેયની હથિયારો સાથે અટકાયત કરી લેવામાં આવી છે. પશુઓને પકડી લેવાના મામલે આ બનાવ બન્યો હતો.
જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણમાં વનરક્ષક લગધીરસિંહ ધીરુભાઈ જાડેજા (૨૮) કે જેઓએ પોતાના સાથી કર્મચારીઓ વનપાલ જિજ્ઞાસાબેન હરણ ઉપરાંત અશોકભાઈ છીપરિયા અને વિરજુ કે જેઓ સરકારી ફોરેસ્ટની જગ્યામાં ઘુશી આવેલા માલ ઢોરને પકડીને ઢોરના ડબામાં પુરવાની કાર્યવાહી કરી રહ્યા હતા, જે દરમિયાન ભેંસોના ત્રણ માલિક લાકડાના ધોકા સહિતના હથિયારો સાથે ફોરેસ્ટ ની જગ્યા માં ઘુસી આવ્યા હતા, અને ચારેય વન કર્મીઓ પર આડેધડ હુમલો કરી ફેક્ચર સહિતની ઈજા પહોંચાડી હતી, અને હંગામા મચાવ્યો હતો.
ઉપરોક્ત ચારેક ઈજાગ્રસ્ત કર્મચારીઓની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાયા બાદ પંચકોષી એ. ડિવિઝનના પી.આઈ. એન.એમ.શેખ અને તેઓની ટીમ ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ હતી, તેઓએ તાત્કાલિક અસરથી કોમ્બિંગ હાથ ધરી ત્રણ માલધારીઓને શોધી કાઢ્યા હતા.
જાંબુડા ગામ માં રહેતા પોપટભાઈ સુરાભાઈ રાતડીયા, વાલસરભાઈ હેમરાજભાઈ વીર, તેમજ વાલાભાઈ ડોસાભાઇ ચારણ ને શોધી કાઢ્યા હતા. જે ત્રણેયની અટકાયત કરી લઇ તેઓ પાસેથી લાકડાના ધોકા સહિતના હથિયારો કબજે કરી લેવામાં આવ્યા હતા, ઉપરાંત વનરક્ષક લગધીરસિંહ ધીરુભાઈ જાડેજા ની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૧-૧,૧૨૧-૨,૨૯૬-બી, ૩૫૧-૩, ૫૪ તેમજ જીપીએકટ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.