છૂટકમાં માદક પદાર્થનું વેચાણ કરતી પુત્રવધુની ધરપકડ, જથ્થો લાવનાર સાસુ ફરાર
Rajkot,તા.11
શહેરના ઘંટેશ્વર ૨૫ વારીયા કવાટર્સ પાસે પોલીસે દરોડો પાડી સાસુ-વહુ દ્વારા ચાલતાં ગાંજાના ધંધાનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ગાંજાના જથ્થા સાથે વહુ પકડાઈ ગઈ હતી. જ્યારે સાસુ ફરાર થઈ જતા ગાંધીગ્રામ પોલીસે તેની શોધખોળ આદરી હતી.
ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર મેઘાણીની રાહબરીમાં ડી-સ્ટાફ જામનગર હાઇવે ઘંટેશ્વર ૨૫ વારીયા કવાટર્સ, રેલ્વે પાટા પાસે, જામવાડીની ફોલ્ડીંગ દિવાલ પાસે ક્વાટર્સમાં રહેતી મહિલા પાસે ગાંજાનો જથ્થો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી કિરણબેન રવિ મકવાણા (ઉ.વ.૨૫) પાસેથી ૯૦૮ ગ્રામ ગાંજાનો જથ્થો પકડી પાડી કુલ રૂ.૮૦૮૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સાસુ-વહુ ગાંજાનો જથ્થો રાખી છૂટકમાં વેંચાણ કરતાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે દરોડા વખતે પકડાયેલ મહિલાની સાસુ નાસી છૂટી હતી, જેમની શોધખોળ પોલીસે આદરી છે. તે પકડાયા બાદ ગાંજો ક્યાંથી લાવી તેનો ખુલાસો થશે. હાલ ગાંધીગ્રામ પોલીસે તપાસ યથાવત રાખી છે.