ખોટી ઓળખ આપી પ્રોજેક્ટર અને સ્ક્રીન મેળવી ભૂગર્ભમાં ઉતરી ગયેલી બેલડી વિરુદ્ધ માલવિયાનગર પોલીસમાં ગુનો
Rajkot,તા.11
ગોંડલ રોડના પ્રોજેક્ટર અને સ્ક્રીનના વેપારીને ભેજાબાજોને ભેંટો થવા પામ્યો છે. બે શખ્સોએ અલગ અલગ સમયે કુલ રૂ. 7.49 લાખની કિંમતના પ્રોજેક્ટર અને સ્ક્રીન મંગાવી આગળની તારીખના ચેક આપ્યા હતા. જે ચેક બાઉન્સ થયાં હતા. જે બાદ વેપારી યુવાને તપાસ કરાવતા બંને ભેજાબાજો ઓફિસને તાળા મારી ભુર્ગભમાં ઉતરી ગયાનું સામે આવતા માલવિયાનગર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
ઢેબર રોડ પર જુના જકાતનાકા પાસે ન્યુ લાલ બહાદુર સોસાયટી શેરી નંબર – 6 માં રહેતા 25 વર્ષીય યુવાન વેપારી ચિરાગભાઈ બીપીનભાઈ ડાકીએ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કનારામ ઉર્ફે યોગેશ ચૌધરી અને બાલુગીરી ઉર્ફે દિલીપનું નામ આપતા જણાવ્યું હતું કે,
તા. 25-01-2025 ના રોજ દિલીપભાઈની ઓફિસ ખાતે એક પ્રોજેક્ટર લઈને ગયેલ હતો. પ્રોજેક્ટરનો ડેમો આપતા તેમણે મારી પાસેથી ખરીદી કરવાનું નક્કી કર્યું હતું. ત્યારે મે એક પ્રોજેક્ટરની કિંમત રૂ.30,300 જણાવી હતી. યસ બેન્કનો સ્ટાર ટેકનોલોજીનો રૂ. 60,600 નો ચેક તા.01-03-2025 નો ચેક આપ્યો હોય અને ત્યારે દિલીપભાઈએ મને છ પ્રોજેક્ટરનો ઓર્ડર આપેલ હતો. જે પ્રોજેક્ટર લઈને હું તેની ઓફિસે જતા તેણે મને રાજકોટ પીપલ્સ બેંકનો સ્ટાર ટેકનોલોજીનો રૂ. 1,79,542 નો તા. 20-02-2025 નો ચેક આપેલ હતો. ત્યારબાદ યોગેશભાઈને 11 પ્રોજેક્ટર તથા ત્રણ સ્ક્રીન આપેલ જેના કુલ રૂ. 3,50,702 તથા દિલીપભાઈને મેં 12 પ્રોજેક્ટર આપેલ હોય જેના રૂ.3,98, 559 થતા હોય તેના બદલામાં તેમણે મને ચેક આપેલ હતા. જે ચેક મેં બેંકમાં નાખતા ચેક બાઉન્સ થયા હતા. જે બાદ મેં બંને શખ્સોને ફોન કરતા તેમનો ફોન ઉપડતો ન હતો. જેથી હું તેમની ઓફિસે જતા ઓફિસને તાળું મારેલ હતું. બાદમાં આજુબાજુમાં તપાસ કરતાં મને જાણવા મળેલ કે, આ બંને તેમની ઓફિસમાં રહેલ માલ લઇ, ઓફિસ ખાલી કરી જતા રહેલ છે. જેથી જે ઓફિસ ભાડે રાખેલ હતી તેના માલિકને મળતા તેમણે મને દિલીપભાઈના આધાર કાર્ડની નકલ આપેલ હતી. જેમાં તેનું સાચું નામ બાલુગીરી હતું અને ત્યારબાદ મને બીજા વ્યક્તિનું આધાર કાર્ડ આપેલ હતું જેમાં યોગેશનું નામ કનારારા ચૌધરી હોવાનું મને જાણવા મળેલ હતું. જેથી ફરિયાદી પોતે ઠગાઈનો ભોગ બન્યાની જાણ થતાં માલવિયાનગર પોલીસ મથકમાં કનારામ ઉર્ફે યોગેશ ચૌધરી તથા બાલુગીરી ઉર્ફે દિલીપને ખોટી ઓળખ આપી રૂ. 7,49,261 ની ઠગાઈ કરવા મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને ભેજાબાજ વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. ભેજાબાજ બેલડીએ આ પ્રકારે જ કાર્તિક ઇન્ફોસીસ, દિવ્યાંગ ઇન્ફોવર્ડ, મેટ્રોબીટ નેટવર્ક, વેલબ્રો ઇન્ડસ્ટ્રીઝ, વ્રજ ઓફિસ સોલ્યુશન, આઈઆર ટેક્નોલોજી, યુવી બિઝનેશ સિસ્ટમ, જીનિયસ કોમ્પ્યુટર વર્લ્ડ સહિતની નવ પેઢીઓ સાથે પણ આ પ્રકારે જ છેતરપિંડી આચરી છે.