હાઇકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચવી પડી હોવાની હકીકત સેશન્સ કોર્ટથી છુપાવાઇ હોવાનું સામે આવ્યું
Rajkot,તા.12
પડધરી તાલુકાના ઈશ્વરીયા ખંભાળા વિસ્તારમાં સંતાનોના પ્રેમ સંબંધો બાબત જયદીપ મેરીયા નામના યુવાનની થયેલી હત્યાના ગુનામાં આરોપીઓ પૈકી મહિલા આરોપીએ ચાર્જશીટ બાદ કરેલી રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.આ અંગેની હકીકત મુજબ, એકાદ વર્ષ પહેલા પડધરીના ઈશ્વરીયા ખંભાળા ગામે જયદીપભાઈ હમીરભાઈ મેરિયાનું ખુન થયું હોવાની મૃતકના ભાઈ ખુશાલ હમીર મેરીયાએ પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યાને પગલે પોલીસે તપાસ હાથ ધરીને હત્યા સંતાનોના પ્રેમ સંબંધો મંજૂર ન હોવાને કારણે કરવા સબબ ઢોકળીયા ગામનાગોવીંદભાઈ પ્રેમજીભાઈ મુછડીયા, તેનો નાનો ભાઈ મનસુખ પ્રેમજીભાઈ મુછડીયા, રસીક મનસુખ પ્રેમજીભાઈ મુછડીયા તથા ગોવિંદભાઈના પત્ની કંચનબેન મુછડીયાએ જયદીપભાઈને લાકડી તથા પાઈપ હથિયારથી શરીરે આડેધડ માર મારી તેનુ ખૂન કરી નાંખ્યાનું ખુલતા પડધરી પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી બાદ આરોપીઓને જેલ હવાલે કર્યા હતા.જેમાં ચાર્જશીટ મુકાઈ જતા જેલ હવાલે રહેલ કંચનબેન ગોવિંદભાઈ મુછડીયા (રહે. ઢોકળીયા)એ રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા તેમના વકીલે દલીલ કરેલી કે આરોપી એક વર્ષથી જેલમાં છે. આ ગુનામાં આરોપીના પતિ પણ જેલમાં હોય અને તેમની ત્રણ યુવાન દિકરીઓ અલગ અલગ સગા સંબંધીઓના ઘરે ઓશિયાળું જીવન પસાર કરે છે. આરોપીનો દિકરો શિવરાજ અવસાન પામેલ છે. ધર સારસંભાળ રાખનાર કોઈ ન હોય. કેસ ચાલતા લાંબો સમય વિતી જાય તેમ હોવાની રજુઆતો સાથે આરોપીને જામીન પર મુક્ત કરવા અરજી કરેલઆ કામે સરકાર તરફે એ.જી.પી. બિનલબેન રવેશીયા તથા મુળ ફરીયાદી તરફે એડવોકેટ કલ્પેશભાઈ નસીત દ્વારા દલીલ કરવામાં આવેલ કે, આરોપીઓએ તિક્ષ્ણ હથીયારથી એકબીજાની મદદગારી કરી મરણજનારનું મોત નીપજાવેલ હોય.આરોપીનું નામ પ્રથમથી જ એફ.આઈ.આર.માં દર્શાવેલ છે. આરોપીએ અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલ જામીન અરજી પાછી ખેંચવી પડી હોય, જે હકિકત પણ સેશન્સ કોર્ટમાં છુપાવેલ છે. આરોપીની દીકરી સાથે મરણજનારને પ્રેમસંબંધ હોય જેની અદાવત રાખીને આરોપીઓએ તિક્ષ્ણ હથિયારો સાથે માર મારી મરણજનારનું મોત નીપજાવેલ છે. જે તમામ હકિકતોને ધ્યાને લઈને એડિશનલ સેશન્સ જજ આર.એસ. પુરાણીએ આરોપી કંચનબેન ગોવિંદભાઈ મુછડીયાની જામીન અરજી નામંજુર કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે મદદની સરકારી વકીલ બિનલબેન રવેશિયા, મુળ ફરીયાદી તરફે પટેલ લો ફર્મના ધારાશાસ્ત્રી દિલીપભાઈ પટેલ, કલ્પેશભાઈ નસીત, નૈમિષભાઈ જોષી, અનિતા રાજવંશી, આસીસ્ટન્ટ ઈશા કણઝારીયા રોકાયા હતા.