Morbi, તા.14
મોરબી અને વિસાવદરના ધારાસભ્ય દ્વારા છેલ્લા દિવસોથી ચેલેન્જની રાજનીતિ કરવામાં આવી રહી છે દરમિયાન કાંતિભાઈએ કહ્યું હતું કે હું આજે સવારે 11:00 ગાંધીનગર વિધાનસભા ખાતે ઉભો રહીશ અને ત્યાં જો ગોપાલ ઇટાલીયા પોતાનું રાજીનામું મુકવા માટે આવે તો તે પણ રાજીનામું આપશે અને મોરબી ની બેઠક ઉપર જ્યારે ચૂંટણી આવે ત્યારે બંને સામસામે ચૂંટણી લડીએ અને તે ચેલેન્જને પૂરી કરવા માટે થઈને આજે ગાંધીનગર જવા માટે કાંતિભાઈ અમૃતિયા રવાના થયા છે અને તેઓની સાથે તેના સમર્થકો 100 ગાડીના કાફલા સાથે જઇ રહ્યા છે.
છેલ્લા ઘણા સમયથી મોરબી વિધાનસભાની બેઠક તેમજ મોરબીના ધારાસભ્ય અને વિસાવદરના ધારાસભ્ય સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યા છે કારણ કે તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ની પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક ઉપર ગોપાલ ઇટાલીયાનો વિજય થયા બાદ મોરબીની અંદર છેલ્લા સપ્તાહમાં ચારથી પાંચ જુદા જુદા વિસ્તારોમાં જે આંદોલનો કરવામાં આવ્યા તે આંદોલનો માં અવારનવાર વિસાવદર વાળી થશે, વિસાવદર વાડી થશે
તેવી ચિમકી ઉચ્ચારવામાં આવતી હતી જેથી કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબીની બેઠક ઉપર ગોપાલ ઇટાલીયા ચુંટણી લડવા માટે આવે તો તે રાજીનામું મૂકશે અને જો ગોપાલ ઇટાલીયા અહીંથી ચૂંટણી જીતી જાય તો તે તેને બે કરોડ રૂપિયાનું ઇનામ આપશે તેવી ચેલેન્જ કરવામાં આવી હતી.
ત્યારબાદ ગોપાલ ઇટાલીયા એ પણ કાંતિભાઈની ચેલેન્જ સ્વીકારી હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો અને આ ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ હતી.
ત્યારબાદ કાંતિભાઈએ જે તે સમયે કહ્યું હતું કે, મોરબીના લોકોને ઉશકેરવા માટે અને તંત્રને બાનમાં લેવા માટે વારંવાર વિસાવદર વાળી થશે તેવી ચીમકીઓ ઉચ્ચારવામાં આવતી હતી જેથી ગોપાલ ઇટાલીયા જ મોરબીમાં ચૂંટણી લડવા માટે આવી જાય તે પણ રાજીનામું મૂકી અને હું પણ રાજીનામું મૂકુ સોમવારે મારું રાજીનામું મુકવા માટે ગાંધીનગર પહોંચીશ.
જો ત્યા ગોપાલ ઇટાલીયા પણ રાજીનામું મુકવા માટે આવશે તો તેઓ પણ રાજીનામું મૂકશે આવી વાત કરી હતી જે વાત ઉપર મક્કમ રહીને આજે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબી ઉમા ટાઉનશિપ ખાતે પોતાની નિવાસ્થાનેથી ગાંધીનગર જવા માટે રવાના થયા છે.
મોરબી અને માળિયા વિધાનસભા બેઠકના તેના કાર્યકરો પણ તેની સાથે જોડાય છે અને લગભગ 100 ગાડી કરતા વધુ ગાડીના કાફલા સાથે આજે કાંતિભાઈ અમૃતિયા ગાંધીનગર જવા માટે રવાના થયા છે અને ત્યાં તેઓ 11 વાગ્યે પહોંચશે.
ત્યારબાદ અડધો કલાક સુધી ગોપાલ ઇટાલીયા ત્યાં રાજીનામું મુકવા માટે આવે તેની રાહ જોશે અને જો ગોપાલ ઇટાલીયા રાજીનામું મુકવા માટે નહીં આવે તો તેઓ રાજીનામું આપશે નહીં.