Amreli,તા.14
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘ ખાતે યુરિયા ખાતર ન મળતા 70 ગામોના ખેડૂતો અને તેમના પ્રતિનિધિઓએ આજે (14મી જુલાઈ) ઉગ્ર દેખાવ કર્યો હતો. ખેડૂતોએ ખરીદ વેચાણ સંઘના પ્રમુખનો ઘેરાવો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર, ખરીદ વેચાણ સંઘ પાસે 50 ટન યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં, ખેડૂતોને ખાતરનું વેચાણ કરવામાં આવી રહ્યું નથી. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાલ વરાપ નીકળ્યો હોવાથી ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે, પરંતુ ખાતર ન મળવાને કારણે તેમને પારાવાર નુકસાની વેઠવાનો ભય સતાવી રહ્યો છે.