Morbi,તા.14
પોલીસને માત્ર ભાજપનો ખેસ પહેરાવવાનો બાકી, ભાજપ કાર્યકર જેમ પોલીસ વર્તતી હોવાના આક્ષેપો
મોરબીના પ્રાણ પ્રશ્નો અંગે અગાઉથી થયેલી જાહેરાત મુજબ આજે જીલ્લા કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કચેરીએ ઘેરાવ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત કચેરીએ ખડકી દેવામાં આવ્યો હતો ત્યારે પૂર્વ ધારાસભ્ય અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર પ્રહારો કરી સાથે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા
પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની આગેવાનીમાં આજે કોંગ્રેસ કાર્યકરોએ હલ્લાબોલ કર્યો હતો જોકે કાર્યક્રમની અગાઉથી જાહેરાત હોવાથી ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો કોંગ્રેસ કાર્યકરોએ નારેબાજી કરી કચેરીના ગેટ પાસે બેસી વિરોધ નોંધાવ્યો હતો પોલીસે ગેટ બંધ કરી તાળા લગાવી દેતા કાર્યકરો રોષે ભરાયા હતા અને ગેટ પરથી ચડવાના પ્રયાસો જોવા મળ્યા હતા જેથી પોલીસ સાથે ઝપાઝપી થવા પામી હતી અને પોલીસ કેટલાક કાર્યકરોને બસમાં બેસાડી અટકાયતી પગલા લેતા વિરોધ નોંધાવ્યો હતો અને આગેવાનોને પોલીસ સાથે ઘર્ષણ થવા પામ્યું હતું
કાર્યક્રમ અંગે લલિત કગથરાએ જણાવ્યું હતું કે મોરબીની પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવા પહોંચ્યા હતા અગાઉ ભાજપ પદાધિકારીઓને નાગરિકોએ કરેલી રજૂઆત છતાં પ્રશ્ન ઉકેલાતા નથી ધારાસભ્ય ચેલેન્જ મારવામાં પડ્યા છે પ્રજાના પ્રશ્નો ઉકેલવા ચેલેન્જ કરી બતાવો તેવો પડકાર ફેક્યો હતો કુદરતી વહેણો પર બિલ્ડીંગ ખડકી દેવાતા વરસાદી પાણીનો ભરાવો થાય છે પોલીસની કામગીરી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે પોલીસ જવાનોને માત્ર ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે બાકી તેઓ ભાજપ કાર્યકર તરીકે જ વર્તી રહ્યા છે
જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ જણાવ્યું હતું કે પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ કાર્યકરો આતંકવાદી હોય તેવું વર્તન કરવામાં આવ્યું હતું મોરબીમાં લાખો લીટર દારૂ ઠેર ઠેર વેચાય છે પરંતુ કોંગ્રેસ પ્રજા પ્રશ્ને રજૂઆત કરવા આવ્યા તો આતંકવાદી જેવો વ્યવહાર પોલીસ કરી રહી હોવાનું જણાવ્યું હતું જે મામલે મ્યુનીસીપલ કમિશ્નર સ્વપ્નીલ ખરેએ જણાવ્યું હતું કે રોડ રસ્તા સહિતના પ્રશ્ને રજૂઆત મળી છે અને યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે હાલ ટીમો દિવસ અને રાત એમ બે શિફ્ટમાં કામગીરી કરી રહી છે અનેક વિસ્તારમાં કામગીરી કરવામાં આવી છે બાકી છે ત્યાં પણ ઝડપથી કરવામાં આવશે તેમજ અધિકારીના નામ અને નંબરનું લીસ્ટ આપ્યું છે જેમાં અધિકારી ફોન ઉપાડશે અને રજૂઆત સાંભળશે તેમ જણાવ્યું હતું તો કોંગ્રેસ આગેવાનોએ રજૂઆત કરવા આવતા રોક્યાના આક્ષેપ અંગે જણાવ્યું હતું કે દરરોજ સાંજે અને સોમવારથી ગુરુવાર નિયત સમયે કોઈપણ રજૂઆત માટે મળી સકે છે તેમ જણાવ્યું હતું