વેદાંગ રૈનાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું, ખુશી સાથે કામ કરવું એ ઘણું સહજ હતું અને મજા પડી હતી -અમારી વચ્ચે સહજતા છે
Mumbai, તા.૧૪
વેદાંગ રૈનાએ ઝોયા અખ્તરની ઓટીટી ફિલ્મ ‘ધ આર્ચિઝ’માં ખુશી કપૂર સાથે બોલિવૂડમાં ડેબ્યુ કર્યં હતું, ત્યારેથી બંનેના ઘણાં નજીકના સંબંધો છે. તેઓ બંને એકબીજાને ડેટ કરતાં હોવાના અહેવાલો વારંવાર સામે આવ્યા કરે છે, જોકે, બેમાંથી કોઈએ આ સંબંધ અંગે કશું કન્ફર્મ કર્યું નથી સાથે તેઓ આ સંબંધને નકારતાં પણ નથી. હવે વેદાંગે આ સંબંધ અને ખુશી સાથેના બોન્ડિંગ અંગે વાત કરી છે.વેદાંગ રૈનાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું, “ખુશી સાથે કામ કરવું એ ઘણું સહજ હતું અને મજા પડી હતી -અમારી વચ્ચે સહજતા છે. અમારો સંબંધ સરળ અને વાસ્તવિક છે અને કેમ્પેઇનમાં પણ એ સંબંધ બિલકુલ દેખાય છે.” વેદાંગની આ સ્પષ્ટતાથી જ તેમના સંબંધો અને નિકટતા અંગે અણસાર આવી જાય છે. તાજેતરમાં વેદાંગ એક બ્રાન્ડ સાથે જોડાયો છે, પરંતુ આ બાબતે તે ઘણી તકેદારી રાખે છે. તેણે જણાવ્યું, “મારા માટે બહુ મહત્વનું છે કે હું એવી જ બ્રાન્ડ સાથે કામ કરું જે ખરી હોય અને હું જેવો છું, તેની સાથે તેના મૂલ્યો પણ મેળ ખાતાં હોય. હું ખરું કનેક્શન જણાય, જેમાં કોઈ સંદેશ, હોય, કોઈ સુંદરતા હોય કે પછી મૂલ્યો હોય, જેની સાથે હું મારી જાતને જોડી શકું, એની સાથે જોડાવાનું પસંદ કરું છું.”પોતાની ફિલ્મી સફર વિશે વાત કરતા વેદાંગે કહ્યું, “મારી પોતાની જાતને શોધવાની અને વ્યક્ત કરવાની સફર વિકાસ અને સ્વ જાગૃતિની રહી છે.”