Washington,તા.15
વિશ્વભરના દેશો અને અમેરિકા વચ્ચે ટેરિફ-ટ્રેડવોરનુ ટેન્શન ચાલી રહ્યું છે જયારે પ્રમુખ ટ્રમ્પે રશિયા પર 100 ટકાની ટેરિફ લાદવાની ધમકી ઉચ્ચારી છે. છ દિવસમાં યુક્રેન સાથેનુ યુદ્ધ ખત્મ ન કરે તો આ આકરી ટેરિફની ચેતવણી આપી છે. બીજી તરફ યુરોપીયન યુનિયને અમેરિકા પર તેના જેટલી જ ટેરિફ લાગુ કરવા હિલચાલ કરતા નવા ટેરિફ યુદ્ધના ભણકારા શરૂ થયા છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં નાટોના જનરલ સેક્રેટરી સાથેની વાતચીતમાં એમ કહ્યું કે, યુક્રેન સામેનું યુદ્ધ 50 દિવસમાં ખત્મ કરવામાં નહીં આવે તો રશિયા પર 100 ટકા જેવા આકરા ટેરિફ ઝીંકાશે.
રશિયા પરની આ લેવી ‘સેકન્ડરી ટેરિફ’ સ્વરૂપે હશે તેવો પણ સંકેત આપ્યો હતો. ટ્રમ્પે અગાઉ રશિયા પાસેથી તેલ-ગેસ કે અન્ય કોઈપણ ચીજ ખરીદતા દેશો પર 500 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી.
બીજી તરફ અમેરિકાએ ઝીંકેલા 30 ટકાના ટેરિફથી અકળાયેલા યુરોપિયન યુનિયને ટ્રમ્પતંત્રને વળતો ઘા મારવાની હિલચાલ શરૂ કરી છે. યુરોપિયન દેશોના વ્યાપાર મંત્રીઓની બ્રુસેલ્સમાં બેઠક થઈ હતી.
તેમાં અમેરિકાએ લાગુ કરેલા 30 ટકા ટેરિફ અસ્વીકાર્ય હોવાનુ જાહેર કર્યુ હતું. આકરા ટેરિફથી કંપનીઓ ગ્રાહકો તથા ખુદ રાષ્ટ્રો-સરકારો પર વિપરીત પ્રભાવ પડે છે.