Mumbai,તા.15
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી-2025ની લોર્ડ્સમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતનો પરાજય થયો છે. ઈંગ્લેન્ડ-ભારતે પ્રથમ ઈનિંગમાં 387-387 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 192 રન કર્યા બાદ, ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 170 રનમાં ઓલઆઈટ થઈ ગઈ છે. મેચના ત્રીજા અને ચોથા દિવસે જુસ્સામાં જોવા મળેલી ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ સામે 22 રને પરાજય થયો છે. ભારતના કેપ્ટન શુભમન ગિલ, રિષભ પંત સહિતના તમામ ખેલાડીઓએ નબળું પ્રદર્શન કર્યું છે, તો ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર, બેન સ્ટોક, બ્રાઈડોન કાર્સે શાનદાર બોલિંગ કરી ટીમને જીત અપાવી છે. આ સાથે બંને ટીમો વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ઈંગ્લેન્ડે 2-1ની સરસાઈ મેળવી લીધી છે.
લોર્ડ્સ ટેસ્ટમાં 22 રનની નજીકની હાર બાદ ભારતના કેપ્ટન શુભમન ગિલે પોતાની ટીમ પર ગર્વ વ્યક્ત કર્યો હતો, પરંતુ તેણે હાફ સેન્ચ્યુરીમાં ભાગીદારીના અભાવ અને પ્રથમ ઇનિંગમાં રિષભ પંતના રન-આઉટને હારના મુખ્ય કારણો ગણાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા શાનદાર રમ્યો અને 61 રન (181 બોલ) ની અણનમ ઇનિંગ રમી અને જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે અંત સુધી ભારતને વિજયની નજીક પહોંચાડ્યું, પરંતુ ટીમ 170 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
શુભમને પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન સમારોહમાં કહ્યું, ‘મને મારી ટીમ પર ખૂબ ગર્વ છે. આ ટેસ્ટ શક્ય તેટલી નજીક હતી. તે પાંચ દિવસ સુધી ચાલી અને છેલ્લા સત્રમાં સમાપ્ત થઈ. મને ખૂબ વિશ્વાસ હતો કારણ કે અમારી પાસે બેટિંગ બાકી હતી. અમને ફક્ત 50-50 રનની બે ભાગીદારીની જરૂર હતી, પરંતુ અમે તે કરી શક્યા નહીં.’કેપ્ટને સ્વીકાર્યું કે, ‘જો રિષભ પંત રન-આઉટ ન થયો હોત, તો ભારત 70-80 રનની લીડ મેળવી શક્યું હોત અને ટીમને પાંચમા દિવસે લગભગ 200 રનનો પીછો કરવો પડ્યો ન હોત.’ જ્યારે પૂછવામાં આવ્યું કે શું ખેલાડીઓ વ્યક્તિગત સિદ્ધિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જેમ કે કેએલ રાહુલે ખુલાસો કર્યો કે તેણે પંત સાથે લંચ પહેલાં સેન્ચુરી પૂરી કરવા વિશે વાત કરી હતી, ત્યારે ગિલે કહ્યું, ‘ખરેખર, તે રન અંગે જજમેન્ટ લેવા બાબતે ભૂલ હતી અને તે થઈ શકે છે. જો તમે ધ્યાનથી જુઓ તો, કેએલ ભાઈ પોતે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર હતા.’