Khambhaliya,તા.15
ખંભાળિયામાં સોમવારે સરકારી તંત્ર દ્વારા અહીંના સલાયા ફાટક, સરકારી હોસ્પિટલ તેમજ જામનગર હાઈવે નજીકના વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આશરે 1400 ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
આ સમગ્ર પ્રકરણ અંગે અહીંના મામલતદાર વી.કે. વરુ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયામાં સલાયા ફાટક નજીક આવેલા એક ધાર્મિક સ્થળમાં આગળનો ભાગ અનધિકૃત રીતે ઊભો કરવામાં આવ્યો હોવાથી આ ભાગને દૂર કરાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અહીં સરકારી સિવિલ હોસ્પિટલ નજીક કેબીનો સહિતના દબાણો પણ સરકારી તંત્રનું બુલડોઝર ફર્યું હતું. આ સાથે અત્રે જામનગર હાઈવે પર આવેલી એક ખાનગી કંપની દ્વારા કંચનપુરના પાટિયા પાસે 1321 ચોરસ મીટર જેટલું દબાણ કરી અને ઉભી કરવામાં આવેલી દિવાલ પણ તોડી પાડવામાં આવી હતી.
આમ, પોલીસ તંત્રને સાથે રાખીને રેવન્યુ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ દબાણ હટાવ ઝુંબેશમાં અંદાજે 1400 ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. જેની સરકારી ચોપડે અંદાજિત કિંમત રૂપિયા 40 લાખ જેટલી આંકવામાં આવી છે.