Rajkot,તા.15
રાજકોટ જીલ્લાનાં સહકારી ક્ષેત્રમાં ચૂંટણીનો સમય આવી ગયો છે. જીલ્લા બેંક તથા જીલ્લા દુધ ઉત્પાદક સંઘ (રાજકોટ ડેરી)ના વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવામાં છે. છતાં ચૂંટણી યોજવાની હિલચાલ કે સરકારી આગેવાનોમાં ચૂંટણી લક્ષી ચહલપહલ ઉભી ન થતાં ચૂંટણી સમયસર યોજાવા વિશે આશંકા વ્યકત થઈ રહી છે.
જીલ્લા બેંક તથા રાજકોટ ડેરી એમ બન્ને સંસ્થાઓએ સહકારી રજીસ્ટ્રારને ચૂંટણી સંબંધી દરખાસ્ત મોકલી દીધી છે. છતાં ચૂંટણી અધિકારી સુધી દરખાસ્ત પહોંચાડવામાં સમય નીકળી જવાનું માનવામાં આવે છે.
રાજકોટ જીલ્લાનું સહકારી રાજકારણ ઘણુ મોડુ છે બે દાયકાથી રાદડીયા જુથનું જ વર્ચસ્વ છે. ભાજપનું જ આધિપત્ય રહ્યું છે.કોંગ્રેસ કયાંય ચિત્રમાં જ નથી છતાં ભાજપના જ આગેવાનો સામસામા આવી જતાં હોવાથી ગરમાવો આવી જતો હોય છે.
રાજકોટ જીલ્લાના રાજકારણમાં મજબુત પકકડ માટે મુખ્ય ગણાતી જીલ્લા સહકારી બેંકનાં વર્તમાન બોર્ડની મુદત ચાલુ માસમાં પૂર્ણ થાય છે. જોકે રજીસ્ટ્રાર કચેરીનાં સુત્રો મુજબ ગત ચૂંટણી બાદ પ્રથમ બોર્ડ બેઠક મળી હોય તે તારીખની પાંચ વર્ષની મુદત ગણાય છે એટલે આવતા મહિને પૂર્ણ થાય છે.
જીલ્લા બેંક દ્વારા બે મહિના પુર્વે જ સહકારી રજીસ્ટ્રારને મુદત પૂર્ણ થવા સબંધી દરખાસ્ત મોકલીને નવી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવા સુચવી દીધુ હતું. નિયમાનુસાર રજીસ્ટ્રાર કચેરી મતદાર મંડળીઓનાં ઠરાવોથી માંડીને વિવિધ ચકાસણી કરીને ચૂંટણી અધિકારી એવા કલેકટરને દરખાસ્ત મોકલી છે. અને ત્યારબાદ કલેકટર દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે.
સુત્રોના કહેવા પ્રમાણે ચૂંટણી દરખાસ્ત હજુ સહકારી રજીસ્ટ્રારમાં ચકાસણીનાં તબકકે જ છે. વિવિધ ઠરાવોમાં ભુલચુક ક્ષતિ કે શંકાના આધારે પૂર્તતાં માટે પરત મોકલવામાં આવ્યા છે. જરૂરી દસ્તાવેજો ચકાસાયા બાદ જ કલેકટરને દરખાસ્ત આગળ મોકલવામાં આવશે.
સહકારી આગેવાનો તથા રજીસ્ટ્રાર કચેરીનાં જાણકારોએ એમ કહ્યું કે કલેકટર દ્વારા ચૂંટણી શિડયુલ જાહેર થાય તો પણ એકાદ મહિનો થઈ જતો હોય છે.કારણ કે મતદાર યાદી પ્રસિધ્ધ કરવા વાંધા સુચનોનો સમય સુધારા-વધારા આખરી યાદી જાહેર કરવા જેવી પ્રક્રિયામાં સમય આપવાનો રહેતો હોય છે. બેંકના બોર્ડની મુદત આવતા મહિને પણ પૂર્ણ થવાની હોય તો પણ નવી ચૂંટણી સમયસર યોજાવા વિશે શંકા છે.
રાજકોટ જીલ્લા બેંકને લાગેવળગે છે ત્યાં સુધી કુલ 17 બેઠકોની ચૂંટણી થતી હોય છે તેમાં મુખ્ય ખેડુત વિભાગની 13 બેઠકો હોય છે અને તેની બહુમતીનાં આધારે જ સંબંધીત જુથ સતા મેળવે છે. આ સિવાય શરાફી વિભાગની બે અને ઈતર-રૂપાંતર વિભાગની એક-એક બેઠકોનો સમાવેશ થાય છે.
બ્લોકવાઈઝ ચૂંટણી થતી હોવાથી અને મંડળીદીઠ મતદારના નિયમથી રસપ્રદ જંગ જામતો હોય છે. ડીસ્ટ્રીકટ બેંકમાં ધારાસભ્ય જયેશ રાદડીયા ચેરમેન છે. રાજકોટ ડેરીમાં પણ સમાન સ્થિતિ છે.
ગુજરાતભરનાં સહકારી દુધ સંઘોમાં આગવુ સ્થાન ધરાવતી રાજકોટ ડેરીની મુદત પૂર્ણ થતી હોવાથી સતાવાળાઓએ ચૂંટણી સંબંધી દરખાસ્ત સહકારી રજીસ્ટ્રારને દોઢેક મહિના પુર્વે પાઠવી દીધી હતી અને તે પણ ચકાસણીનાં તબકકે છે. રાજકોટ ડેરીમાં પણ રાદડીયા જુથનુ જ શાસન છે અને હાલ ગોરધનભાઈ ધામેલીયા ચેરમેન છે.
રાજકોટના સહકારી ક્ષેત્રમાં હાલ વન-વે, હવે કોઈ વિરોધી જુથ પણ નથી
રાજકોટ જીલ્લાના સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસનું અસ્તિત્વ જ નથી ભાજપના નેતાઓનું જ વર્ચસ્વ છે. ભુતકાળમાં ભાજપનાં જ આગેવાનો વચ્ચેની આંતરીક લડાઈમાં ચૂંટણી જંગ જામતો હતો અને રાજકીય ગરમાવો આવતો હતો.
આ વખતે સ્થિતિ જુદી છે ધારાસભ્ય જયેશ રાદડીયાના એકચક્રી વર્ચસ્વ સામે ખુલ્લેઆમ કોઈ મેદાને આવે તેમ નથી.ભુતકાળમાં હરદેવસિંહ જાડેજા, પરસોતમ સાવલીયા, નીતીન ઢાંકેચા, વિજય સખીયાનું જુથ મેદાનમાં આવતુ હતું
પરંતુ થોડા વખત પૂર્વે બન્ને વચ્ચે સમાધાન થઈ ગયુ હોવાથી હવે ચૂંટણી મેદાનમાં સામે પડે કે અવરોધ ઉભો કરે તેમ નથી. આ સિવાય અન્ય અમુક આગેવાનોમાં મુખ્યત્વે પોતાને અથવા સમર્થકને ટીકીટ આપવા માટેની ખેંચતાણ હોય છે. અને તે બાબત સામાન્ય ગણવામાં આવે છે.
આ સંજોગોમાં વન-વે સ્થિતિ હોવા છતાં ચૂંટણી સમયસર ન થવાની અટકળો સાથે અનેકવિધ તર્કવિતર્ક પણ વ્યકત થઈ રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાંક વખતથી ભાજપ દ્વારા સહકારી ચૂંટણી પણ પક્ષીય ધોરણે લડવાનું શરૂ કર્યું છે અને ઉમેદવારો પણ ભાજપ નેતાગીરી નકકી કરતી હોય છે.