New Delhi,તા.15
એકલાં હજ પર જવા માંગતાં 65 વર્ષ કે તેથી વધુ વયનાં અરજદારો હજ માટે જઇ શકશે નહીં. તેઓએ તેમની સાથે એક સાથી મદદગાર લેવાની જરૂર રહેશે.
હજ પર જતાં વૃદ્ધ દંપતિને પણ અલગથી હેલ્પર લેવા પડશે. હજ કમિટી ઓફ ઇન્ડિયાએ હેલ્પરની ઉંમર 18થી 60 વર્ષ નક્કી કરી છે. સાથે જ 65 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહરમ કેટેગરીની મહિલાઓએ પણ મહિલા સહકર્મીને પોતાની સાથે લઈ જવાની રહેશે
હજ 2026 નીતિમાં 65 વર્ષથી વધુ વયનાં વૃદ્ધોને એકલાં હજ પર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેઓએ તેમની સાથે સહાયકને લઈ જવું જરૂરી બન્યું છે. સહયોગીની ઉંમર 18 થી 60 નક્કી કરવામાં આવી છે.
આવી સ્થિતિમાં હજ પર જતાં વૃદ્ધ પતિ-પત્નીએ બે સાથીઓને અલગ-અલગ લેવા પડશે. સાથે જ પત્નીની ઉંમર 60 વર્ષથી ઓછી હોય તો તેને પતિની સહયોગી માનવામાં આવે છે, પરંતુ હજ નીતિ અનુસાર જો પત્નીની ઉંમર 62 કે 63 વર્ષ હોય તો તેને સાથી માનવામાં નહીં આવે.
આવી સ્થિતિમાં વૃદ્ધ વર્ગનાં હજયાત્રીઓની સામે ઘણી મુશ્કેલીઓ આવવાની શક્યતા છે. સાથે જ તેમને સહયોગીનો વધારાનો ખર્ચ પણ ઉઠાવવો પડશે.
મહરમ કેટેગરીની વૃદ્ધ મહિલાઓએ મદદ લેવી પડશે
હજ પોલિસી અનુસાર ચાર મહિલાઓના ગ્રુપમાં 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ હજ માટે અરજી કરી શકશે. આ કેટેગરીમાં મહિલા સહકર્મી જ્યારે 65 વર્ષ કે તેથી વધુ ઉંમરની હોય ત્યારે તેને લેવી જરૂરી રહેશે.
સહયોગીની ઉંમર 45 થી 60 વર્ષ નક્કી કરવામાં આવી છે. જે સ્ત્રીઓમાં શરઈ મહરમ તરીકે કોઈ પુરૂષ ન હોય આવી મહિલાઓને મહરમ વગરની કેટેગરીમાં સામેલ કરવામાં આવે છે.
સહયોગીની ઉંમર નક્કી
રાજ્ય હજ કમિટીના સેક્રેટરી એસપી તિવારીએ જણાવ્યું હતું કે, વૃદ્ધ હજયાત્રીઓની સુવિધા માટે હજયાત્રીઓને સહયોગી લઈને જવું જરૂરી બનાવવામાં આવ્યું છે. સહયોગીની ઉંમર 18 થી 60 વર્ષ હોવાને કારણે ઘણી સમસ્યાઓ સામે આવી રહી છે. હજ કમિટી ઓફ ઈન્ડિયાને એક પત્ર મોકલવામાં આવશે, જેમાં નિયમમાં છૂટછાટની વિનંતી કરવામાં આવશે.
હજ અરજી માટે હવે પાસપોર્ટ પર ઉપનામની જરૂર નથી
હજની ઇચ્છા રાખનાર વ્યકિત હવે હજની અરજીથી વંચિત નહીં રહે. તેમને અરજી કરવા માટે પાસપોર્ટ પર ઉપનામની જરૂર રહેશે નહીં. હજ કમિટી ઓફ ઇન્ડિયાએ પાસપોર્ટ પર ઉપનામની જરૂરિયાતને ખતમ કરી દીધી છે. હજ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ છે.
હજ કમિટી ઓફ ઈન્ડિયાએ 7 જુલાઈએ હજ 2026 નું શેડ્યૂલ જાહેર કર્યું હતું અને ઓનલાઇન અરજીની પ્રક્રિયા શરૂ કરી હતી. અરજી પ્રક્રિયા શરૂ થતાં હજ કમિટી ઓફ ઇન્ડિયાએ અરજી માટે પાસપોર્ટ પર અરજદારના નામની સાથે ઉપનામ રાખવી ફરજિયાત બનાવી દીધી હતી. નવા નિયમ મુજબ પાસપોર્ટ પર ઉપનામ ન હોય તો અરજદાર ઓનલાઇન અરજી કરી શકતો ન હતો.
હજ કમિટીએ હજ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ નક્કી કરી છે. આવી સ્થિતિમાં હજ અરજદારો ખૂબ જ પરેશાન હતાં. રાજ્ય હજ કમિટીના સેક્રેટરી એસપી તિવારીએ જણાવ્યું હતું કે હજ કમિટી ઓફ ઇન્ડિયાના નવા નિયમોને કારણે હજારો લોકો હજ માટે અરજી કરવાથી વંચિત રહી ગયાં હોત. ગામડા, નગરો ઉપરાંત શહેરોમાં રહેતાં ઘણાં લોકો પોતાનાં નામની આગળ ઉપનામ નથી લખતાં.
આવા હજારો લોકો અરજી કરી શક્યાં નહીં. સાથે જ જેમણે નવો પાસપોર્ટ બનાવ્યો છે તેઓ પણ આટલાં ઓછા સમયમાં પોતાનાં આધાર કાર્ડ, વોટર આઈડી, પાન કાર્ડમાં ઉપનામ ઉમેરી શક્યાં નથી. આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને હજ કમિટીએ પાસપોર્ટમાં ઉપનામની જરૂરિયાતને ખતમ કરી દીધી છે.
તેમણે કહ્યું કે, જે લોકોના પાસપોર્ટ પર ઉપનામ નથી તેઓ હવે ઓનલાઇન અરજી કરી શકે છે. અરજદારનો પાસપોર્ટ 31 ડિસેમ્બર 2026 સુધી માન્ય હોવો આવશ્યક છે.