Junagadh તા.17
જુનાગઢ ભવનાથ મંદિરના મહંતની મુદત પુર્ણ થવામાં માત્ર 15 દિવસ જ બાકી રહ્યા છે. નવા મહંતની નિમણુંક પ્રશ્ર્ને ભાજપમાં જ અંદરોઅંદર વિખવાદ શરૂ થઈ ચૂકયો છે. જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા સહિતના નેતાઓએ વર્તમાન મહંત હરિગીરી ને રીપીટ ન કરવા રજુઆત કરી છે.
જયારે ભાજપ મનપાના ડે.મેયર કટારાએ તેમજ વોર્ડના મહિલા નગરસેવકોએ કલેકટરને હરીગીરીનેજ રીપીટ કરવા મહંત તરીકે ચાલુ રાખવા રજુઆત કરી છે.
જુનાગઢ ભાજપમાં નવો વિવાદ શરૂ થયો છે. ભાજપના મોટાભાગના નેતાઓ-આગેવાનો હરિગીરીને રીપીટ ન કરવા મથામણ કરી રહ્યા છે. જયારે ભાજપના જ અમુક આગેવાનો હરિગીરીને રીપીટ કરવાનો દોર શરૂ કરી દીધો છે.
આગામી 31 જુલાઈના રોજ મહંત તરીકેની મુદત પૂર્ણ થઈ રહી છે. જુનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મહંતની નિયુક્તિ કરવામાં આવે છે. અગાઉના કલેકટરે ભવનાથના મહંત તરીકે હરીગીરીની નિયુક્તિ કરતાં મોટો વિવાદ સર્જાયો હતો. જેમાં ધારાસભ્ય ખુદે સરકારમાં ફરિયાદો કરી હતી. હવે ફરિવાર મહંતની મુદત પુર્ણ થવાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે વિવાદ શરુ થઈ ચૂકયો છે.
ભવનાથ મંદિર વોર્ડ નં.10માં આવે છે. આ વિસ્તારના નગરસેવક ડે.મેયર આકાશ કટારા અને વોર્ડના નગરસેવિકા ચેતનાબેન ચુડાસમાએ કલેકટરને પત્ર લખી હરીગીરીની કામગીરીથી તમામ યાત્રાળુઓ, જુનાગઢના લોકોને સંતોષ છે, ભવનાથની જગ્યાનો વિકાસ પણ સારો થવા પામ્યો છે તેમને આગામી મુદત રિન્યુ કરવા અમારી ભલામણ છે.
જયારે ધારાસભ્ય સંજય કોરડીયાના જણાવ્યા મુજબ હરિગીરીની નિમણુંકમાં ગેરરીતિ આચરવામાં આવી છે, ભ્રષ્ટાચાર થયો છે. આ અંગે અનેકવાર રજુઆતો કરવામાં આવી છે. હવે ફરી તેની નિયુક્તિ ન કરવામાં આવે તેવી સરકારમાં રજુઆત કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રુપારેલીયા સરકારનો નિર્ણય માન્ય રહેશે તેવું જણાવ્યું છે.