નવી દિલ્હી,તા.17
વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. 37 વર્ષીય ઓલરાઉન્ડર ઓસ્ટ્રેલિયા સામે કારકિર્દીની આખરી બે મેચ રમશે, જે માંથી એક મેચ ટી-20ની મેચ બની રહેશે.
રસેલની પસંદગી ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણાની પાંચ ટી-20ની શ્રેણીમાં કરવામાં આવી છે. આ શ્રેણીની પ્રથમ બે મેચ જમૈકાના સબિના પાર્કમાં રમાશે, જે રસેલનું હોમગ્રાઉન્ડ છે. આ બંને મેચ બાદ રસેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે.
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં તેમને સન્યાસ પછીના જીવનની શુભેચ્છા પાઠવી હતી. તેમાં રસેલનું નિવેદન પણ છે. જોકે રસેલના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બહુ મોટા રેકોર્ડ નથી, પરંતુ તેણે 2011માં ભારત સામે વન ડેમાં નોંધાવેલો રેકોર્ડ હજુ પણ અકબંધ છે.
રસેલનો એ રેકોર્ડ જે તોડવો મુશ્કેલ
વાસ્તવમાં વર્ષ 2011માં ભારતે વેસ્ટ ઈન્ડિઝની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ નોર્થ સાઉન્ડ ખાતેની વન-ડેમાં આન્દ્રે રસેલે નવમાં નંબરે બેટિંગ કરીને અણનમ 92 રન બનાવ્યાં હતાં. 64 બોલની પોતાની ઈનિંગમાં તેણે 8 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.
આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 143.75 હતો. વન-ડે ક્રિકેટમાં નવમાં કે તેથી નીચા ક્રમે બેટિંગ કરતાં ખેલાડીઓમાં અણનમ 92 રન એ શ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર છે. તેનાં પછી વેસ્ટ ઇન્ડીઝના રવિ રામપોલનો નંબર આવે છે.
જેણે 2011માં વિશાખાપટ્ટનમમાં વન-ડેમાં 10માં ક્રમે બેટિંગ કરતાં 75 બોલમાં અણનમ 86 રન ફટકાર્યા હતાં. વન ડેમાં રસેલે બનાવેલાં આ રેકોર્ડને ભાગ્યે જ કોઈ ખેલાડી નવમાં કે તેથી નીચેની બેટીંગમાં ઉતારે તેવો કોઈ પણ ખેલાડી તોડી શકે તેમ છે.
વન-ડેમાં નંબર 9 કે તેથી નીચેનાં ક્રમે બેટિંગ કરતાં શ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર
► આન્દ્રે રસેલ 92- ઇન્ડિયા નોર્થ સાઉન્ડ 2011
► રવિ રામપોલ 86- ભારત વિશાખાપટ્ટનમ 2011
► ડેરેન સેમી 84- ઓસ્ટ્રેલિયા ગ્રોસ ઇસ્લેટ 2012
► થિસારા પરેરા 80- બાંગ્લાદેશ મીરપુર 2014
► ઇસુરુ ઉદાના 78- દક્ષિણ આફ્રિકા ગાકેબાર્હા 2019
રસેલ છેલ્લી વનડે 2019માં રમ્યો હતો. ત્યાર બાદ તે વેસ્ટ ઈન્ડિઝ તરફથી માત્ર ટી-20 જ રમી રહ્યો છે. ભલે તે વન ડે નથી રમી રહ્યો, પરંતુ તેનો સ્ટ્રાઇક રેટ આ ફોર્મેટમાં બીજા બધાં કરતાં સારો છે. વન ડેમાં રસેલની કારકિર્દીનો સ્ટ્રાઇક રેટ 130.22નો છે, જે શ્રેષ્ઠ છે. આ પછી ગ્લેન મેક્સવેલનો નંબર આવે છે.
તેણે 126.70ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. આ યાદીમાં ભારતનો ટોચનો ખેલાડી યુસુફ પઠાણ છે. તેણે 113.60ના સ્ટ્રાઇક રેટથી ગોલ કર્યો હતો.
આ સિવાય ટી-20 ઈન્ટરનેશનલમાં તેણે 2024માં પર્થમાં સાતમાં નંબર પર બેટિંગ કરતાં 29 બોલમાં ચાર ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 71 રન બનાવ્યાં હતાં.
ટી-20 ઈન્ટરનેશનલમાં સાતમાં ક્રમે બેટીંગ કરનારા ખેલાડીઓમાં આ બીજો શ્રેષ્ઠ સ્કોર છે. આ યાદીમાં અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી ટોચ પર છે. 2017માં આયર્લેન્ડ સામે સાતમા નંબર પર બેટિંગ કરતા તેણે 30 બોલમાં 6 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 89 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટે શું કહ્યું?
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટે લખ્યું, “આભાર. રસેલે! બે વખત ટી-20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનવાથી માંડીને મેદાનની અંદર અને મેદાનની બહાર 15 વર્ષ સુધી, તમારી અદ્ભુત શક્તિએ વેસ્ટ ઇન્ડીઝ માટે તમારા દિલ, જુસ્સા અને ગૌરવ સાથે રમ્યા છો. વેસ્ટ ઇન્ડીઝ તમને સલામ કરે છે!’ રસેલે કહ્યું, હું કયાં શબ્દોમાં આભાર માનું વેસ્ટ ઇન્ડીઝનું પ્રતિનિધિત્વ કરવું એ મારા જીવનની ગૌરવપૂર્ણ સિદ્ધિઓમાંની એક છે.
જ્યારે હું નાનો હતો, ત્યારે મને આ સ્તરે પહોંચવાની અપેક્ષા નહોતી, પરંતુ તમે જેટલું વધારે રમવાનું શરૂ કરો છો અને રમતને પ્રેમ કરો છો, તમને ખ્યાલ આવે છે કે તમે શું પ્રાપ્ત કરી શકો છો.
મારા સાથી પ્લેયરોએ મને વધુ સારા બનવાની પ્રેરણા આપી કારણ કે, હું હમેંશા મારી સારી છાપ છોડવા માંગતો હતો અને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બનવા માંગતો હતો.’
રસેલે શું કહ્યું?
રસેલે કહ્યું, “મને વેસ્ટ ઇન્ડીઝ માટે રમવું ગમે છે અને મને ઘરઆંગણે મારા પરિવાર અને મિત્રોની સામે રમવાનું પસંદ છે જ્યાં મને મારી પ્રતિભા પ્રદર્શિત કરવા અને ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રદર્શન કરવા મળે છેહું કેરેબિયનથી આવતા આગામી પેઢીના ક્રિકેટરો માટે આદર્શ બનીને મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો હાઈ એન્ડ બનાવવા માગું છું.
રસેલની નિવૃત્તિ આગામી આઈસીસી ટી -20 વર્લ્ડ કપના સાત મહિના પહેલા જ આવી છે, જેનું આયોજન ફેબ્રુઆરી 2026 માં ભારત અને શ્રીલંકા કરશે. રસેલ છેલ્લા કેટલાક સમયથી વિન્ડિઝની બીજી હાઈપ્રોફાઈલ નિવૃત્તિ છે.
તાજેતરમાં જ ટીમના યુવા બેટ્સમેન નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે 29 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.
રસેલ 2019થી માત્ર ટી-20 રમી રહ્યો છે
વર્ષ 2019થી રસેલ વિન્ડિઝ તરફથી માત્ર ટી-20 જ રમી રહ્યો છે. તે વેસ્ટ ઈન્ડિઝ માટે 84 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે, જેમાં તેણે 22.00ની એવરેજથી 1,078 રન ફટકાર્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 163.08 હતો.
રસેલે ત્રણ અડધી સદી ફટકારી છે અને તેની શ્રેષ્ઠ ઈનિંગ 71 રનની રહી છે. તેણે ટી-20 ઈન્ટરનેશનલમાં પણ 30.59ની એવરેજથી 61 વિકેટ ઝડપી છે, જેમાં 3/19ના શ્રેષ્ઠ આંકડા પણ સામેલ છે. રસેલ વેસ્ટ ઈન્ડિઝ તરફથી માત્ર એક જ ટેસ્ટ રમ્યો છે.
આ ઉપરાંત તે 56 વન ડે પણ રમી ચૂક્યો છે, જેમાં તેણે 27.21ની એવરેજથી 1,034 રન ફટકાર્યા છે. આ સમયગાળા દરમિયાન, તેનો સ્ટ્રાઇક રેટ 130 થી વધુનો રહ્યો છે.
તેણે વન ડેમાં પણ ચાર અડધી સદી ફટકારી હતી અને તેનો અણનમ 92 રન તેનો શ્રેષ્ઠ સ્કોર છે. વન ડેમાં તેણે 31.84ની એવરેજથી 70 વિકેટ ઝડપી છે, જેમાં 4/35ના શ્રેષ્ઠ બોલિંગ ફિગર્સ પણ સામેલ છે.
વેસ્ટ ઈન્ડિઝને બે વખત ટી-20 વર્લ્ડ કપ જીતી ચૂક્યાં છે
37 વર્ષીય આ ખેલાડી 2012 અને 2016માં આઇસીસી ટી-20 વર્લ્ડ કપ જીતનારી વિન્ડિઝની ટીમનો ભાગ હતો. જોકે રસેલનો અસલી ફ્લેર ટી-20 લીગમાં બતાવવામાં આવ્યો છે. તે ટી-20 લીગમાં રમવાનું ચાલું રાખશે. રસેલ દુનિયાભરની ટી-20 લીગનો ભાગ રહ્યો છે અને તેણે 561 મેચમાં 26.39ની એવરેજ અને 168થી વધુની સ્ટ્રાઇક રેટથી 9,316 રન બનાવ્યા છે.
આ દરમિયાન તેણે બે સદી અને 33 અડધી સદી ફટકારી હતી. તેના અણનમ 121 રન ટી-20 લીગમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. ટી-20 લીગમાં તેણે બોલર તરીકે 25.85ની એવરેજથી 485 વિકેટ ઝડપી છે, જેમાં 5/15ના શ્રેષ્ઠ આંકડા પણ સામેલ છે.