Prayagraj,તા.18
કર્મચારી ચયન આયોગ (એસએસસી)ની ફેઝ-13 સિલેકશન પોસ્ટ 2025 અંતર્ગત 2423 ખાલી જગ્યા પર થનારી ભરતી માટે દેશભરમાંથી અધધધ 29,40,175 ઉમેદવારોએ અરજી કરી છે. વિકસીત ભારતનાં સરકારનાં સપના વચ્ચે આ કડવી વાસ્તવિકતા બહાર આવી છે.
સ્નાતક અને એથી ઉચ્ચ યોગ્યતા સ્તરનાં પદો માટે 10,22,154 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. 12 માં ધોરણનાં સ્તર માટે 7,08,401 અને 10 મા ધોરણનાં સ્તર માટે 12,09,620 ઉમેદવારોએ અરજી કરી છે.
આયોગ તા.24-25-26-28-29-30 અને 31 જુલાઈ ઓગસ્ટે પરીક્ષા યોજવાની તૈયારી કરી રહ્યું છે. એસએસસીએ 2 જુનથી 23 જુન દરમ્યાન 18 થી 42 વર્ષ સુધીના ઉમેદવારો પાસેથી આવેદન માગ્યા હતા અને આવેદનમાં ક્ષતિ-સુધારા માટે 28 થી 30 જુન સુધી તક આપવામાં આવી હતી.
જે અંતર્ગત કેન્દ્ર સરકારનાં મંત્રાલયો વિભાગોમાં ગ્રુપ ‘ખ’ના નોન ગેઝેટેડ ગ્રુપ ‘ગ’ના બિન ટેકનિકલ પદોની ભરતી થાય છે. વિજ્ઞાપનમાં જાહેર 2423 પદોમાંથી 1168 પદો ઓપન છે. જયારે 314 પદો એસસી, 148 એસટી, 561 ઓબીસી અને 231 પદ આર્થિક રીતે નબળા એટલે કે ઈડબલ્યુએસ ઉમેદવારો માટે અનામત છે.જોકે ભરતી પ્રક્રિયા પુરી થવા સુધીમાં પદોની સંખ્યામાં વધઘટ થઈ શકે છે.
ભરતી વખતે દાવેદારી ખોટી નીકળી તો દાવેદારી રદ થશે
આવેદન જમા કરવા અને કોમ્પ્યુટર આધારિત પરીક્ષા સમયે આયોગ પાત્રતા અન્ય પાસાઓ માટે આવેદનોની વિસ્તૃત તપાસ નહીં કરે. પસંદગીની પ્રક્રિયા અનુસાર અને દસ્તાવેજોનાં વેરીફીકેશન સમયે શોર્ટ લીસ્ટ ઉમેદવારો પાસેથી દસ્તાવેજોની તપાસ સમયે સ્વ-પ્રમાણીત સહાયક દસ્તાવેજોની પ્રતિઓ માંગવામાં આવશે.
ભરતી પ્રક્રિયાનાં કોઈપણ તબકકે દસ્તાવેજોની તપાસ દરમ્યાન જો આવેદનમાં કરવામાં આવેલ કોઈપણ દાવો પ્રમાણીત નહિ મળે તો ઉમેદવારી રદ કરવામાં આવશે અને સંબંધીત વિભાગ અને આયોગનો નિર્ણય અંતિમ રહેશે. જયારે યુપી લોકસેવાએ આરેઆ અને એઆરઓ પ્રી 2023 ના પ્રવેશપત્રો જાહેર કરી દીધા છે.