Rajkot,તા.18
રાજકોટમાં રહેતી 42 વર્ષની પરિણીતાને લગ્નની લાલચ આપી, અવાર-નવાર દૂષ્કર્મ ગુજારવા અંગે મિતેષ હર્ષદભાઈ દોશી (ઉ.વ. 37, રહે. અવંતિકાનગર શેરી નં.3, ગાંધીગ્રામ) વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી તપાસ જારી રાખી છે.
ભોગ બનનાર પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે 2023 માં તે સાધુ વાસવાણી રોડ પરના સ્પામાં કામ કરતી હતી ત્યારે આરોપી સાથે પહેલીવાર મુલાકાત થઈ હતી. તે વખતે બંનેએ મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. આરોપીએ તેને કહ્યું કે તું અહીંયા કેમ કામ કરે છે. જેની સામે તેણે કહ્યું કે તેના પિતાની સારવાર ચાલુ છે. તેને પહોંચી વળવા માટે સ્પામાં કામ કરવું પડે છે. આ વાત સાંભળી આરોપીએ કહ્યું કે મારે લોનનું કામકાજ છે, હું તને લોન કરાવી આપીશ. જેના બે-ત્રણ દિવસ બાદ આરોપી તેના ઘરે લોનના ડોકયુમેન્ટ લેવા આવ્યો હતો. તે વખતે કહ્યું કે મારે છૂટાછેડા થઈ ગયા છે, હું તારી સાથે લગ્ન કરવા માગું છું. આ પછી તેની મરજીથી તેના ઘરે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. એટલું જ નહીં આરોપીએ તેને લગ્નની લાલચ આપતા એક-બીજાના ઘરે આવવા-જવાના વહેવાર પણ શરૂ થયા હતા. જે દરમિયાન અનેકવાર તેના ઘરે અને આરોપીના ઘરે બંનેએ શરીર સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં 2023ની સાલમાં એક મહિનો આરોપીના ઘરે પણ રોકાઈ હતી. જયાં આરોપીના માતા અને બહેન સાથે નાની-નાની વાતમાં ઝઘડા થતાં આરોપી સાથે ગાંધીગ્રામ વિસ્તારમાં 6 મહિના સુધી ભાડાના મકાનમાં રહી હતી. આખરે આરોપી વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી જણાવ્યું હતું કે આરોપીના 2019ની સાલમાં છૂટાછેડા થઈ ગયા છે. બે સંતાનો છે.