Kiev,તા.૧૮
રશિયા સાથે ચાલી રહેલા ભયંકર યુદ્ધ વચ્ચે યુક્રેને તેના નવા વડા પ્રધાનની પસંદગી કરી છે.યુક્રેનની સંસદ વર્ખોવના રાડામાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયમાં, યુલિયા સ્વિરિડેન્કોને દેશના નવા વડા પ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા. સંસદમાં યોજાયેલી મતદાનમાં, ૨૬૨ સાંસદોએ તેમના પક્ષમાં મતદાન કર્યું, જ્યારે ૨૨ વિરોધમાં અને ૨૬ સભ્યો મતદાનથી દૂર રહ્યા. આમ, યુલિયાને બહુમતીથી યુક્રેનના નવા વડા પ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુલિયાને સંપૂર્ણ ટેકો આપ્યો.
યુલિયા સ્વિરિડેન્કો, જે અગાઉ પ્રથમ નાયબ વડા પ્રધાન અને અર્થતંત્ર પ્રધાન તરીકે સેવા આપી રહ્યા હતા. હવે તે દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે યુક્રેન રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આંતરિક સ્થિરતા અને આર્થિક પુનર્નિર્માણ તરફ નિર્ણાયક પગલાં લઈ રહ્યું છે.
સ્વિરિડેન્કોની ઉમેદવારીને રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીનો સંપૂર્ણ ટેકો હતો. મતદાન પહેલાં રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે સ્વિરિડેન્કો પાસે જરૂરી વહીવટી અનુભવ અને કટોકટી વ્યવસ્થાપન ક્ષમતાઓ છે, જે આ મુશ્કેલ સમયમાં દેશને આગળ લઈ જઈ શકે છે.
વડા પ્રધાન તરીકે ચૂંટાયા પછીના પોતાના પ્રથમ સંબોધનમાં, સ્વિરિડેન્કોએ કહ્યું, “યુક્રેન માટે આ ખૂબ જ સંવેદનશીલ અને નિર્ણાયક સમય છે. મારું લક્ષ્ય યુદ્ધ સમયની અર્થવ્યવસ્થાને સ્થિર કરવાનું, આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવાનું અને પુનર્નિર્માણના પ્રયાસોને ઝડપી બનાવવાનું છે.” તેમણે એ પણ ભાર મૂક્યો કે તેમની સરકાર યુરોપિયન યુનિયન અને નાટોમાં યુક્રેનના સભ્યપદ તરફ સુધારાઓને ઝડપથી આગળ વધારશે.