New Delhi,તા.19
ઇંગ્લેન્ડનો અનુભવી વિકેટકીપર-બેટર જોની બેરસ્ટો છેલ્લા એક વર્ષથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી શક્યો નથી. આ 35 વર્ષનો ક્રિકેટર છેલ્લે ભારત સામે T20 વર્લ્ડ કપ 2024ની સેમી ફાઇનલમાં ઝીરો પર આઉટ થયો ત્યાર બાદથી નેશનલ ટીમમાં સ્થાન મેળવવા સંઘર્ષ કરી રહ્યો છે.
હાલમાં તેણે પોતાની ગેરહાજરી અને અવગણના વિશે મૌન તોડ્યું છે. તેણે કહ્યું હતું કે ‘હું હજી પણ કરારબદ્ધ છું. મેં સિલેક્ટર્સ તરફથી મારા વિશે કંઈ વધુ સાંભળ્યું નથી, પરતું હું હજી ટીમનો એક અભિન્ન ભાગ છું.
લિમિટેડ ઓવર્સના નવા કેપ્ટન હેરી બ્રૂક એક ચોક્કસ પ્રકારનો પ્લેયર ઇચ્છે છે જે વિશ્વના શ્રેષ્ઠ બોલરોને હરાવી શકે અને હું ચોક્કસપણે એ માળખામાં ફિટ છું અને લાંબા સમયથી એ કરી રહ્યો છું.’
તેણે વધુમાં કહ્યું હતું કે, ’હું પગની ઘૂંટીની ઇન્જરીમાંથી વાપસી કર્યા પછી એક પણ રમત ચૂક્યો નથી. હું કાઉન્ટી ચેમ્પિયનશિપમાં અને પછી ધ હન્ડ્રેડમાં પણ મેદાન પર ઘણો સમય વિતાવીને ખૂબ ખુશ છું.
શક્તિની દૃષ્ટિએ હું ચોક્કસપણે રમી રહ્યો છું. જોની બેરસ્ટો ઇંગ્લેન્ડ માટે 100 ટેસ્ટ, 107 વન-ડે અને 80 ઝ20 મેચ રમી ચૂક્યો છે. ઇંગ્લેન્ડની ટીમમાં હાલમાં જેમી સ્મિથ, જોસ બટલર અને ફિલ સોલ્ટ વિકેટકીપર-બેટર તરીકે સારી ભૂમિકા ભજવી રહ્યા છે.