Gandhinagar,તા.18
ગાંધીનગર, 18 જુલાઈ, 2025: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કાર્યરત ગુજરાત સરકાર મહિલાઓની સુરક્ષા માટે હંમેશા તત્પર રહી છે. આ દિશામાં રાજ્ય સરકારનું એક ક્રાંતિકારી પગલું છે, અભયમ 181 મહિલા હેલ્પલાઇન. છેલ્લા 10 વર્ષોમાં રાજ્યની 16,58,892 મહિલાઓએ આ હેલ્પલાઇનનો ઉપયોગ કરીને મુશ્કેલ સમયમાં મદદ મેળવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે રાજ્યની મહિલાઓ, યુવતીઓ, કિશોરીઓ તેમજ બાળકીઓ સહિત દરેક વયજૂથની મહિલાઓને સંકટ સમયે સહાય કરવાના હેતુથી માર્ચ, 2015માં અભયમ 181 મહિલા હેલ્પલાઇનની શરૂઆત કરી હતી.
ઘરેલુ હિંસા, શારીરિક-માનસિક અત્યાચાર, છેડતી સહિતના મહિલા વિરોધી ગુનાઓ સામે અભયમ 181 મહિલા હેલ્પલાઇન મહિલાઓ સાથે અડીખમ બનીને ઊભી રહી છે.
અભયમ 181 હેલ્પલાઇન હેઠળ મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે 59 રેસ્ક્યુ વાન કાર્યરત
અભયમ 181 મહિલા હેલ્પલાઇન દ્વારા રાજ્યની મહિલાઓને 24ડ7 નિ:શુલ્ક સેવા મળી રહી છે. રાજ્યની મહિલાઓ તેમની સમસ્યાઓનું ત્વરિત નિવારણ મેળવી શકે તે હેતુથી કુલ 59 રેસ્ક્યુ વાન કાર્યરત છે. તેમાંથી સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેરમાં 12 રેસ્ક્યુ વાન કાર્યરત છે. તાકીદની પરીસ્થિતિમાં અભયમ રેસ્ક્યુ વાન કાઉન્સિલર સાથે ઘટનાસ્થળ પર પહોંચીને મહિલાઓની સમસ્યાનું સમાધાન કરે છે.
અત્યારસુધીમાં, રેસ્ક્યુ વાન દ્વારા 3.31 લાખ મહિલાઓને મદદ કરીને તેમની સમસ્યાઓનું નિવારણ કરવામાં આવ્યું છે, જ્યારે 2.09 લાખ કિસ્સાઓમાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. અભયમ 181 હેલ્પલાઇન હેઠળ રેસ્ક્યુ વાન તથા કાઉન્સેલિંગ જેવી સેવાઓ અનેક મહિલાઓ માટે પારિવારિક અશાંતિ વચ્ચે સુખ-શાંતિનું સરનામું બની છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની આ સેવાનો રાજ્યની મહિલાઓ સરળ રીતે ઉપયોગ કરી શકે તે હેતુથી 6 ઓગસ્ટ, 2018ના રોજ અભયમ 181 મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી હતી. રાજ્યની 2.73 લાખથી વધુ મહિલાઓએ પોતાની સમસ્યાઓનું સમાધાન મેળવવા માટે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે.