Surat,તા.19
સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચેલીયા ગામે સ્ટોરમાં કામ કરતા એક યુવાને આદિવાસી બાળાની છેડતી કરતા પોલીસે જાણ કરાયા બાદ આ યુવાનની અટકાયત કરાઇ હતી. પણ બાદમાં પોલીસને યુવાનને છોડી દેતા આદિવાસી સમાજના લોકો વિફર્યા હતા અને મોડી સાંજે સ્ટોરમાં તોડફોડ અને આગચંપી કરતા વાતાવરણ તંગ બની ગયું હતું. ટોળાએ હલ્લો કરીને રાજસ્થાની સમાજના લોકોની દુકાનો બંધ કરાવવાનું શરૂ કરતા ભાગદોડ મચી ગઇ હતી.સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચેલીયા ગામે આવેલી રાજ નોવેલ્ટી સ્ટોરમાં કામ કરતા એક યુવાને પ્રાથમિક શાળામાં ભણતી બાળા સાથે છેડછાડ કરતા બાળા સ્કૂલમાં આવી પ્રિન્સિપાલને જાણ કરી હતી. તેમણે બાળાના વાલીને બોલાવી આ હકીકત અંગે વાકેફ કર્યા હતા. સરપંચ તથા અન્ય દ્વારા જાણ કરાતા પોલીસ દોડી આવી હતી રાજસ્થાની યુવાનને પકડી લઈ ગઇ હતી. પણ ત્યારબાદ આ યુવાનને પોલીસે છોડી દેતા આદિવાસી સમાજના લોકો વિફર્યા હતા. સાંજે મોટું ટોળું એકત્ર થઇ ગયું હતું અને કરચેલીયામાં આવેલી રાજસ્થાની સમાજના લોકોની તમામ દુકાનો બંધ કરાવી દીધી હતી. તેમજ નોવેલ્ટી સ્ટોર પર હલ્લો કરીને દુકાનના શટર તોડી નાંખ્યા હતા. દુકાનની આગળ પડેલા માલસામાનને આગ ચાંપી દીધી હતી. ટોળું હલ્લો મચાવતું આગળ વધી રહ્યું હતું. ત્યારે પોલીસ મૂકપ્રેક્ષક બની હતી. ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલને પણ ઇજા થઇ હોવાની ચર્ચા છે. વધારે પોલીસ કાફલાને આવતાં વિલંબ થયો હતો, જોકે બાદમાં પોલીસે સ્થિતિ પર કાબૂમાં લેવાનો પ્રયાસ ધર્યો હતો. હાલ સમગ્ર કરચેલીયામાં તંગદીલીભર્યું વાતાવારણ બન્યું છે.