Ahmedabad,તા.19
સુરતના અડાજણમાં રહેતી મહિલાએ ગ્રોમ નામની શેરબજારમાં ટ્રેડીંગની કંપની શરૂ કરીને પાંચ લાખની રોકાણની સામે પ્રતિમાસ 20 ટકા વળતર આપવાનું કહીને રોકાણકારો સાથે રૂપિયા 2.20 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ મથકે નોંધવામાં આવી છે.
શહેરના ગોદરેજ ગાર્ડન સીટીમાં આવેલા પાઇનક્રેસ્ટ એપાર્ટમેન્ટમાં રહેતા સપનાબેન પીઠડીયા ગાંધીનગર ઇન્ફોસીટીમાં નોકરી કરતા હતા. ત્યારે તેમની સાથે નોકરી કરતી જીગીશા જાદવ સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંનએે નોકરી છોડી હતી. વર્ષ 2023માં જીગીશાએ જણાવ્યું હતું કે તે સુરતના અડાજણ પાલ ડીવાઇન ડીઝાઇનર પાસે રહે છે અને ગ્રોમ નામની રજીસ્ટર્ડ કંપની ધરાવે છે. જેમાં મહત્તમ પાંચ લાખનું રોકાણ કરીને ટ્રેડીગ કરીને ત્રણ મહિના સુધીના રોકાણમાં 20 ટકા જેટલો નફો આપે છે. જો 25 લાખનું રોકાણ હોય તો 23 ટકા લેખે નફો આપવામાં આવે છે. જેથી વિશ્વાસ કરીને સપનાબેને પાંચ લાખનું રોકાણ કરતા તેમને ત્રણ મહિના સુધીને જીગીશાએ 20 ટકા વળતર આપ્યું હતું. જેથી વિશ્વાસ વધતા સપનાબેને તેમના નજીકના મિત્ર વર્તુળમાં વાત કરી હતી. તેમના દ્વારા મળતા રોકાણમાં પણ સપનાબેનને જીગીશા કમીશન આપતી હતી. આમ, તેમણે કુલ 1.88 કરોડનું રોકાણ કરાવ્યું હતું. તેમજ સપનાબેને પણ 25 લાખનું રોકાણ કર્યું હતું. થોડા મહિના સુધી જીગીશાએ તમામને વળતર આપ્યા બાદ નાણાં આપવાનું બંધ કરી દીધું હતું. જેથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જીગીશાએ છેતરપિંડી કરવાના ઇરાદે ગ્રોમ નામની કંપની શરૂ કરીને અમદાવાદમાં કુલ 2.20 કરોડની રકમ રોકાણકારો પાસેથી મેળવીને છેતરપિંડી આચરી હતી. આ ઉપરાંત, તેણે ગુજરાતના અન્ય શહેરોમાં પણ અનેક લોકો સાથે ઠગાઇ કરી હતી. જે અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.