Upleta. તા.21
ઉપલેટામાં મૂરખડા રોડ પર આવેલ ગોડાઉનમાંથી રૂ.6.72 લાખની મગફળીની ચોરીની ઘટના સામે આવતાં રૂરલ એલસીબીની ટીમે ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાંખી મુખ્ય સૂત્રધાર ભાયાવદરના સિકંદર સહિત ચાર શખ્સોની ધરપકડ કરી રૂ.18.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બનાવ અંગે ઉપલેટામાં કોલકી રોડ પર પોલીસ મથકની સામે જનકપુરી સોસાયટીમાં રહેતાં યોગેશભાઈ ધીરજલાલ દેસાઇ (ઉ.વ.50) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓને ઉપલેટામાં કોલકી રોડ ઉપર દેસાઈ ઇન્ડસ્ટ્રીઝ નામની ઓઇલ મીલ આવેલ છે. તેઓએ મીલ માટે ખરીદ કરેલ મગફળી મુરખડાના પાટીએ પોરબંદર નેશનલ હાઇવે ઉપર અરવિંદભાઇ ડેલવાડીયાના ગોડાઉનમાં કુલ 6300 ગુણી રાખેલ હતી.
ગઇ તા.17 ના સાંજના સાડા સાતેક વાગ્યે તેઓ અને તેમના ભાગીદાર નિરજભાઈ ખાંટ દેસાઈ ઇન્ડસ્ટ્રીજએ હતા દરમ્યાન અમે મીલની ખરીદ કરેલ મગફળી જેના ગોડાઉનમાં રાખેલ હતી તે અરવિંદભાઈ ડેલવાડીયાનો ફોન આવેલ કે, તમે મારા જે ગોડાઉનમાં મગફળી રાખેલ છે તે ગોડાઉનનું તાળુ તુટલુ છે તમે આવીને ગોડાઉન ચેક કરી જાવ તેવી વાત કરતા તેઓ બન્ને ભાગીદાર ગોડાઉને ગયેલ.
તો ગોડાઉનના દરવાજાનું તાળુ તથા સી.સી.ટી.વી.ના કેબલ તુટેલા હતા. જેથી ગોડાઉન ખોલીને ચેક કરતા તેમાં રાખેલ મગફળીની ગુણો ઓછી દેખાતી હતી અને મગફળીની ગુણોની ચોરી થયેલ હોવાનું જણાતા સામેના ગોડાઉનના સી.સી.ટી.વી. ચેક કરના તા.16 ના રાતના 10/43 વાગ્યે જે ગોડાઉનમાં મગફળી રાખેલ તે ગોડાનમાંથી એક ટ્રકમાં મગફળી ભરીને જતા હોય તેવુ દેખાતુ હતું.
સાંજનો સમય થઈ જતા તેઓ ગોડાઉનને નવુ તાળુ મારી ઘરે આવતા રહેલ અને બીજા દિવસે સવારે ગોડાઉને ગયેલ અને અમે તમામ ગુણી ગણતા 6,020 ગુણી હતી જેમાથી 280 ગુણી મળી આવેલ ન હતી.
એક ગુણીની કી.રૂ.2400 લેખે ચોરીમાં ગયેલ 280 ગુણી કુલ રૂ.6,72,000 નો મુદ્દામાલ કોઈ અજાણ્યા માણસો ટ્રકમાં ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેના ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી હિમકર સિંહ દ્વારા ગુન્હાનો ભેદ ઉકેલી ગુન્હામા સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવાની આપેલ સુચનાથી એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ એચ.સી.ગોહીલ ટીમ સાથે તપાસમાં હતાં.
ત્યારે એએસઆઈ શક્તિસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ કૌશીક જોષી તથા અરવિંદસિંહ જાડેજાને મળેલ સંયુક્ત બાતમીના આધારે આ આરોપીઓને ગુન્હામા ઉપયોગમા લેધેલ વાહનની ઈ ગુજકોપ અને પોકેટકોપ એપથી ઓળખ કરી આરોપીઓએ મગફળી વેચાણ કરી મેળવેલ રોકડ રકમ સહીત કુલ રૂ.18.45 લાખના મુદામાલ સાથે સીકંદર ઉર્ફ સીકલો ઇસ્માઇલ સમા (રહે. ભાયાવદર હોળીધાર, ઉપલેટા, મુળ ગામ બાબરીયા, લાલપુર), ઇમરાન કાસમ હમીરાણી (રહે. કાલાવડ ઝમઝમ પાર્ક, મુળ ગામ ગજેણા, લાલપુર), આશીફ કાસમ હમીરાણી (રહે. જામનગર બેડેશ્ર્વર વિસ્તાર પાણાખાણ, મુળ ગામ ગજેણા, લાલપુર) અને મોહસીન ઇબ્રમહીમ નંગામરા (રહે. ગામ જોડીયા ભુંગા, જામનગર) ને પકડી પાડી ઉપલેટા પોલીસ હવાલે કર્યા હતાં.
એલસીબીની ટીમે આરોપીઓ પાસેથી રોકડ રૂ.2.36 લાખ, ટ્રક, બલેનો કાર બાઈક, મોબાઈલ મળી કુલ રૂ.18.45 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપી સીકંદર ઉર્ફ સીકલો ઇસ્માઇલભાઇ સમા અગાઉ દેસાઇ ઇન્ડસટ્રીઝમા મહેતાજી તરીકે નોકરી કરતો હતો, પરંતુ દોઢેક મહીના પહેલા કોઇ કારણસર પોતાના શેઠ યોગેશભાઇ સાથે મનદૂખ થતા શેઠે પોતાને નોકરીમાંથી કાઢી મુકેલ હોય જેનો ખાર રાખી આર્થીક લાભ મેળવવા માટે સીકંદરે પોતાના મિત્રોને સાથે રાખી ગોડાઉનમાંથી મગફળીની ચોરી કરી મગફળી જામનગર ખાતે ઇન્ડીયન મીલમા વેચાણ કરી દીધેલની કબુલાત આપેલ હતી.
મગફળી ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી લેનાર ટીમ
લાખો રૂપિયાની મગફળી ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરા, પીએસઆઇ એચ.સી.ગોહીલ, એએસઆઈ બાલકૃષ્ણ ત્રીવેદી, અનિલ બડદોકીયા, શક્તિસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા, કૌશીક જોષી સહિતના સ્ટાફે ઉકેલ્યો હતો.