Ahmedabad, તા.21
એક નવવધૂ જ્યારે પોતાના વૈવાહિક ઘરમાં ગૃહપ્રવેશ કરે છે ત્યારે પ્રેમ, કૃતજ્ઞતા અને સપનાઓ લઈને જાય છે. પરંતુ, તેને પરિવારનો હિસ્સો માનવાને બદલે નોકરાણીની જેમ પારકો કિસ્સો માનવામાં આવે, ત્યારે નવવધૂની મનોવ્યથા શું થતી હશે?
આવી જ એક એક સંવેદનશીલ પારિવારિક કહાની છે, નવી ધારાવાહિક ‘કંકુ – રંગ પારકો’. જે સમાજની વાસ્તવિકતા સામે સવાલ ઉઠાવે છે કે જે પરિવાર, પુત્રવધુ પાસે ઘરની તમામ જવાબદારીઓ પૂરી કરવાની અપેક્ષા રાખે છે, તે તેને ઘરની સભ્ય માનવામાં કેમ સંકોચ અનુભવે છે?
જય પ્રોડક્શન દ્વારા નિર્મિત, ‘કંકુ – રંગ પારકો’ એ એક અનાથ યુવતી કંકુની કહાની છે. આ અનાથ યુવતીને જે પરિવારે ઉછેરી, મોટી કરી, તે જ ઘરમાં તે વહુ બનીને આવે છે. પણ, લગ્ન પછી તરત જ તેની ઓળખ અને અધિકારો પર સવાલ ઊભા થાય છે કે તે ઘરની કોણ છે? વહુરાણી કે નોકરાણી? આ જ વિષય-વસ્તુ પર આધારિત ધારાવાહિકનું માર્કેટિંગ કેમ્પેઇન પણ તૈયાર કરવામાં આવ્યું છે: વહુરાણી કે નોકરાણી?
નવા ચહેરાઓનો પ્રભાવશાળી અભિનય અને ગુજરાતી સંસ્કારોના સમન્વય સમી આ ધારાવાહિક, ‘કંકુ – રંગ પારકો’ની આ વાર્તા દરેક પેઢીનાં દર્શકોમાં ચર્ચાનો વિષય બની તેમનાં હૃદયને સ્પર્શશે અને તેમનો દ્રષ્ટિકોણ બદલશે. કંકુની આ અનોખી કહાની જોવાનું ચૂકશો નહીં – કારણ કે એક સામાન્ય યુવતી જે નવવધૂ તો બની, પણ હજુય પરિવારની સ્વીકૃતિની રાહ જુએ છે.
‘કંકુ – રંગ પારકો’ શરૂ થઇ રહી છે 21મી જુલાઈથી, દર સોમવારથી શનિવાર, રાત્રે 8 વાગ્યે કલર્સ ગુજરાતી પર પ્રસારિત થશે. અને JioHotstar પર કોઇપણ સમયે જોઈ શકાશે.