Somnath ,તા.૧
Somnath મંદિર નીચે બૌદ્ધ ગુફાઓ હોવાનો દાવો કરતી જાહેર હિતની અરજી બાદ દાખલ કરાયેલી રિવ્યૂ અરજીને પણ ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. અગાઉ મૂળ અરજીને ૨ લાખના દંડ સાથે નામંજૂર કરવામાં આવી હતી. હવે અરજદાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની તૈયારીમાં છે.
રિવ્યૂ અરજીની સુનાવણી દરમિયાન અરજદાર તરફથી વકીલ રત્ના વોરાએ રજૂઆત કરી હતી કે મુંબઈ હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અને સિનિયર એડવોકેટ તાનાજી વિશ્વાસ નાલવડે એક અઠવાડિયા બાદ દલીલો કરવા ઇચ્છે છે. જોકે હાઇકોર્ટે આ માંગ સ્વીકારી નહોતી અને સ્પષ્ટ કર્યું હતું કે રિવ્યૂ અરજીમાં મૂળ કેસમાં હાજર રહેલા વકીલ જ દલીલો કરી શકે છે. પરિણામે રિવ્યૂ અરજી ફગાવી દેવામાં આવી.
મહારાષ્ટ્રના ડૉ. વિલાસ તુકારામ ખરાટે દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે વર્ષ ૨૦૧૭ દરમિયાન આઇઆઇટી ગાંધીનગર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સોમનાથ મંદિર નીચે બૌદ્ધ ગુફાઓ હોવાના સંકેતો મળ્યા હતા. આ સર્વે જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી હતી.
મૂળ અરજીની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે અરજીનો વિરોધ કર્યો હતો અને તેને માત્ર પ્રસિદ્ધિ મેળવવાના હેતુથી દાખલ કરાયેલી અરજી ગણાવી હતી. હાઇકોર્ટે પણ નોંધ્યું હતું કે અરજદાર તરફથી દાવાને સમર્થન આપતા કોઈ વિશ્વસનીય પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. અરજીમાં દર્શાવાયેલા અનેક મુદ્દાઓ માત્ર મીડિયા અહેવાલો પર આધારિત હોવાનું કોર્ટના ધ્યાન પર આવ્યું હતું.
કોર્ટે અરજીને જાહેર હિત અરજીની પ્રક્રિયાનો દુરુપયોગ ગણાવી હતી અને અરજદાર પર ૨ લાખનો દંડ ફટકારી અરજી ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન અરજદારે અરજી પરત ખેંચવાની માંગ પણ કરી હતી, પરંતુ કોર્ટે તે સ્વીકારી નહોતી. ગુજરાત હાઇકોર્ટમાં રિવ્યૂ અરજી પણ નામંજૂર થતાં હવે અરજદાર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

