London,તા.23
અમદાવાદમાં ગત 12 મી જુને થયેલી ભયાનક વિમાની દુર્ઘટના પછી દિવસો સુધી પ્રવાસીઓનાં મૃતદેહો સોંપવાની કાર્યવાહી ચાલી હતી પરંતૂ તેમાં બ્રિટનનાં નાગરીકોનાં ‘ખોટા મૃતદેહો’ સોંપી દેવાયાનો ખુલાસો થયો છે. એરલાઈન્સ કંપની એર ઈન્ડીયાની ભૂલ હતી કે ગુજરાત સરકારી તંત્રનો ભવાડો હતો તે હજુ સ્પષ્ટ થયુ નથી. પરંતૂ લાપરવાહીની પોલ છતી થઈ છે.
બ્રિટીશ સતાવાર ‘ધ ડેઈલી મેલ’ દ્વારા કરાયેલા આ ખુલાસામાં એમ કહેવાયું હતું કે, 12/6 ની અમદાવાદ વિમાની દુર્ઘટનામાં બ્રિટીશ નાગરીકોના પણ મોત થયા હતા. પ્રવાસીઓની ઓળખ મેળવવા માટે ડીએનએ મેચ કરાવવાની પ્રક્રિયા થઈ હતી અને ત્યારપછી જ પરિવારોને સોંપવામાં આવ્યા હતા.
પરંતુ મૃતદેહોની સોંપણીમાં ગરબડ થઈ ગઈ હતી. બ્રિટીશ નાગરીકોનાં પરિવારોને એકને બદલે બીજાના મૃતદેહો સોંપી દેવાયા હતા. મૃતદેહ બ્રિટનમાં આવ્યા બાદ આ છબરડો છતો થયો હતો.પરિવારો ડઘાઈ ગયા હતા એક પરિવારે પણ અંતિમવિધી અટકાવી દીધી હતી. એક અન્ય કિસ્સામાં એક જ કોફીનમાં બે મૃતકોનાં મૃતદેહ નિકળ્યા હતા.
રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું હતું કે, ભોગ બનેલા બ્રિટીશ નાગરીકનાં ડીએનએ રિપોર્ટ તથા પરિવાર દ્વારા સોંપાયેલા સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવતા આ ભવાડો ખુલ્લો થયો હતો. જેને પગલે પરીવાર તથા ઉપસ્થિત સૌ કોઈ ડઘાઈ ગયા હતા. ભારતમાં સંબંધીત વિભાગોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
અમદાવાદ વિમાની દુર્ઘટનામાં લગભગ તમામ પ્રવાસીઓનાં મૃતદેહોની ઓળખ અશકય બની ગઈ હતી અને તમામનાં ડીએનએ મેચ કરાવાયા બાદ મૃતદેહ સોંપવામાં આવ્યા હતા. વિદેશી નાગરીકોના મૃતદેહો પરત મોકલવાની વ્યવસ્થા એર ઈન્ડીયાએ સંભાળી હતી જયારે ડીએનએ મેચ કરીને યોગ્ય ઓળખ સાથે મૃતદેહો પરિવારને સોંપવાની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી હતી.
મૃતદેહો મોકલવાની વ્યવસ્થા દરમ્યાન આ ‘ભગો’ થયો હતો કે સરકારી ભૂલથી છબરડો સર્જાયો તે સ્પષ્ટ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ વિમાની દુઘર્ટનામાં ભોગ બનેલા પ્રવાસીઓમાં ભારતીયો ઉપરાંત બ્રિટીશ, પોર્ટુગીસ, કેનેડા જેવા દેશોનાં નાગરીકોનો પણ સમાવેશ થતો હતો. પરિવારનાં સભ્યોને તેડાવીને ડીએનએ પ્રક્રિયા કરવામાં આવી હતી.