New Delhi,તા.23
ભારે વિવાદ વચ્ચે ઉપરાષ્ટ્રપતિપદેથી જગદીપ ધનખડના રાજીનામાના 48 કલાકમાં દેશના નવા ઉપરાષ્ટ્રપતિની ચુંટણી માટે પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. ગઈકાલે જ ધનખડના રાજીનામાની માહિતી સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ થયા બાદ ચુંટણીપંચને તેની જાણ કરી દેવામાં આવી હતી.
પંચે આજે જાહેર કર્યુ છે કે, નવા ઉપરાષ્ટ્રપતિની ચુંટણી માટેની તૈયારીઓ શરુ થઈ ગઈ છે અને ટુંક સમયમાં જ તેનુ શેડયુલ જાહેર કરવામાં આવશે. ચુંટણીપંચે બંધારણની કલમ 324 હેઠળ નવા ઉપરાષ્ટ્રપતિપદની ચુંટણી માટે તેને જે સતા પ્રાપ્ત થઈ છે તે મુજબ આ કાર્યવાહી કરશે.
પંચે પોતાની સતાવાર પ્રેસયાદીમાં જણાવ્યું કે, ચુંટણી કાર્યક્રમની જાહેરાત સાથે જ તેની મતદાર યાદી જેમાં રાજયસભા અને લોકસભાના ચુંટાયેલા તથા નિયુક્ત સભ્યો મતદાર તરીકે ગણાય છે તે યાદી જાહેર થશે.
સાથે ચુંટણી અધિકારી અને સમગ્ર ચુંટણી પ્રક્રિયાની પણ જાહેરાત થશે. રાજયસભા અને લોકસભાના કુલ 728 મતદારો છે જે ચુંટણીમાં મતદાન કરી શકે છે. પરંતુ હાલમાં જે બેઠકો ખાલી હશે તેટલી સંખ્યા ઘટશે. ઉપરાષ્ટ્રપતિની ચુંટણીમાં 20 સાંસદો સંયુક્ત રીતે પ્રસ્તાવ કરીને કોઈને પણ ઉમેદવાર જાહેર કરી શકે છે.જેમાં રૂા.15 હજારની ડિપોઝીટ પણ હોય છે અને બાદમાં ફોર્મની ચકાસણી થાય છે. જેમાં યોગ્ય ફોર્મને માન્ય રખાય છે અને જો એકથી વધુ ઉમેદવાર હોય તો મતદાન થશે.